8th Pay Commission: આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી અને એવી અપેક્ષા છે કે તે 2027માં લાગુ થશે. આ પછી દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં જબરદસ્ત ફેરફાર થવાનો છે. જોકે, પગાર પંચના સભ્યો, અધ્યક્ષ અને નવા પગાર પંચની શરતો અને સંદર્ભો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થવાનો છે.

પગાર કેવી રીતે નક્કી કરવામાં આવશે?

કેન્દ્ર સરકાર દ્વારા પગાર પંચની રચના ચોક્કસ સમય માટે કરવામાં આવે છે, જે કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખાને નક્કી કરે છે. તે ફક્ત બેસિક પગાર અને અન્ય ભથ્થાઓને જ અસર કરતું નથી પરંતુ પેન્શનરોને પણ તેનો લાભ મળે છે. આઠમું પગાર પંચ સાતમા પગાર પંચનું સ્થાન લેશે, જે વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય પગાર પંચની મુખ્ય ભલામણ પે મેટ્રિક્સ છે. આ તે સિસ્ટમ છે જે સેવાના સ્તર અને સમયના આધારે પગાર નક્કી કરે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે કેન્દ્રીય પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2.57 થી વધારીને 2.86 કરી શકે છે.

પગાર કેટલો વધશે?

ઉદાહરણ તરીકે, જો કોઇ કર્મચારીના પે લેવલ-1 પર વર્તમાનમાં સેલેરી 18000 છે, તો તેનો પગાર 51,480 રૂપિયા સુધી વધી શકે છે. લેવલ-ટુના કર્મચારીઓનો પગાર 19,900 રૂપિયાથી વધીને 56,914 રૂપિયા, લેવલ-3નો પગાર 21,700 રૂપિયાથી વધીને 62,062 રૂપિયા થઈ શકે છે.

એ જ રીતે લેવલ-6નો પગાર 35400 રૂપિયાથી વધીને 1 લાખ રૂપિયાથી ઉપર જઈ શકે છે. બીજી તરફ, લેવલ- 10ના અધિકારીઓનો પગાર જેમાં IAS અને IPSનો સમાવેશ થાય છે, 56,100 રૂપિયાથી વધીને 1.6 લાખ રૂપિયા થઈ શકે છે.

HRA અને અન્ય ભથ્થાઓમાં નવા માળખા પર કામ

SCOVA બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પગારની સાથે, 8મા પગાર પંચ માં ઘર ભાડું ભથ્થું (HRA), મુસાફરી ભથ્થું (TA), મોંઘવારી ભથ્થું (DA) અને તબીબી ભથ્થા જેવા મુખ્ય ભથ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવશે. અહેવાલો અનુસાર, મેટ્રો શહેરોમાં HRA નો દર ઊંચો રાખવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓ માટે મુસાફરી ભથ્થાની ગણતરી અલગ રીતે કરી શકાય છે. આ ઉપરાંત, સિસ્ટમને વધુ પારદર્શક અને વ્યવહારુ બનાવવા માટે કેટલાક જૂના અને બિનઉપયોગી ભથ્થાઓને નાબૂદ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.