Relief To Middle Class In Income Tax : નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. ફરી એકવાર આવકવેરાને લઈને મધ્યમ વર્ગની અપેક્ષાઓ વધવા લાગી છે. માનવામાં આવી રહ્યું છે કે, નવ વર્ષ બાદ આવકવેરાને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. તેનું કારણ એ છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે.
આ ઉપરાંત આ વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓને આવતા વર્ષે એટલે કે 2024ની લોકસભાની યોજાનારી સામાન્ય ચૂંટણીની સેમિફાઇનલ તરીકે ગણવામાં આવે છે. માટે આશા રાખવામાં આવી રહી છે કે, આ વખતે બજેટમાં સરકાર આવકવેરામાં મધ્યમ વર્ગ માટે કેટલીક મહત્વની જાહેરાત કરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નાણામંત્રી બજેટમાં આવકવેરા ભરનારાઓ માટે સારા સમાચાર આપી શકે છે. હાલમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરો લાગુ થતો નથી. હવે આ મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા થઈ શકે છે. આ સાથે જ 5 થી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળા સ્લેબમાં મોટો ફેરફાર થઈ શકે છે. હાલ આ સ્લેબમાં આવતા કરદાતાઓ પર 20 ટકા ટેક્સ લાગે છે. સરકાર 10 ટકાનો નવો સ્લેબ ઉમેરવાની યોજના બનાવી રહી છે. બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે.
હાલ કેટલો ટેક્સ?
જો આમ થશે તો 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓએ ઓછો ટેક્સ ચૂકવવો પડશે. હાલમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. વર્તમાનમાં જૂની ટેક્સ સિસ્ટમમાં પાંચ ટેક્સ સ્લેબ છે. તેમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. જ્યારે 2.5 થી 5 લાખની આવક પર 5% ટેક્સ, 5 થી 10 લાખની આવક પર 20% ટેક્સ, 10 થી 20 લાખની આવક પર 30% ટેક્સ અને 20 લાખથી વધુની આવક પર 30% ટેક્સ. નવી સિસ્ટમમાં રૂ. 2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકા, રૂ. 5 થી 7.5 લાખ સુધી 10 ટકા, રૂ. 7.5 લાખથી 10 લાખ સુધી 15 ટકા, રૂ. 10 થી 12.5 લાખ સુધી 20 ટકા, રૂ. 12.5 લાખથી 15 લાખ પર 25 ટકા અને 15 લાખથી વધુની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.
અગાઉ વ્યક્તિગત કર મુક્તિ મર્યાદામાં છેલ્લો ફેરફાર 2014 માં કરવામાં આવ્યો હતો. મોદી સરકારના પ્રથમ કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ તેને 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. હવે નવ વર્ષ બાદ સરકાર ફરી એકવાર કરદાતાઓને રાહત આપી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, આનાથી કરદાતાઓને રાહત મળશે કારણ કે તેમના હાથમાં રોકાણ માટે વધુ પૈસા હશે.