Commonwealth Games 2026:  ઋષિકાંત સિંહ અને રાજા મુથુપાંડીએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ઇતિહાસ રચ્યો છે. બંને ખેલાડીઓએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યા. અગાઉ મીરાબાઈ ચાનુએ દેશનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કૂલ ચાર મેડલ જીત્યા છે. ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ રવિવારે વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ ઇવેન્ટમાં ઋષિકાંત સિંહ અને રાજા મુથુપાંડીએ પોતપોતાના વજન વર્ગમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને ભારત માટે દિવસને યાદગાર બનાવ્યો હતો.

Continues below advertisement

2026 કોમનવેલ્થ ગેમ્સ માટે મેડલ ટેલીમાં ભારત આઠમા ક્રમે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 14 ગોલ્ડ, આઠ સિલ્વર અને 11 બ્રોન્ઝ સહિત કુલ 33 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. મીરાબાઈએ મહિલાઓની 48 કિગ્રા શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું, કુલ 190 કિગ્રા (સ્નેચમાં 85 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 105 કિગ્રા) વજન ઉપાડ્યું. આ સમય દરમિયાન, તેમણે કોમનવેલ્થ ગેમ્સના અનેક રેકોર્ડ પણ તોડ્યા. આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ હતો અને વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં એકંદરે ત્રીજો ગોલ્ડ મેડલ હતો.

Continues below advertisement

આ પછી ઋષિકાંત સિંહે ઈજા હોવા છતાં પુરુષોની 60 કિગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો. ઘૂંટણની ઈજાને કારણે તે ગોલ્ડ મેડલની દોડમાં પોતાની લીડ જાળવી શક્યો નહીં. મણિપુરના 28 વર્ષીય વેઈટલિફ્ટરે સ્નેચમાં 121 કિગ્રા વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સના રેકોર્ડની બરાબરી કરી અને ક્લીન એન્ડ જર્ક પહેલા તે આગળ હતો. જોકે, તે ક્લીન એન્ડ જર્કમાં ફક્ત 143 કિગ્રા વજન ઉપાડી શક્યો. તેના છેલ્લા બે પ્રયાસો નિષ્ફળ ગયા, જેના કારણે તેને કુલ 264 કિગ્રા વજન ઉપાડીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. મલેશિયાના મોહમ્મદ અનિક કસદાનએ ક્લીન એન્ડ જર્કમાં 152 કિગ્રા વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો, કુલ 273 કિગ્રા વજન ઉપાડ્યું. કેન્યાના જોશુઆ અમુંગા મ્બોયાએ 260 કિગ્રા વજન ઉપાડીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

રાજા મુથુપાંડીએ રાત્રિ સત્રમાં પુરુષોની 65 કિગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ જીતીને પોતાનું ડેબ્યૂ યાદગાર બનાવ્યું. મુથુપાંડીએ સ્નેચમાં 126 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિગ્રા વજન ઉપાડીને કુલ 286 કિગ્રા વજન ઉપાડ્યું. મલેશિયાના મુહમ્મદ અઝનિલ બિન બિદિને કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ 299 કિગ્રા વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે પાપુઆ ન્યુ ગિનીના મોરિયા બારુએ કુલ 282 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

શુક્રવારે અગાઉ પેરા-પાવરલિફ્ટર ઝંડૂ કુમારે પુરુષોની હેવીવેઇટ શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું. મણિપુરના 31 વર્ષીય અનુભવી વેઇટલિફ્ટરે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક બંનેમાં પોતાનો પહેલો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ શાનદાર વાપસી કરી અને 22 કિગ્રાના મોટા માર્જિનથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.