તહેવારોની સીઝનમાં આમ આદમીને ઝટકો, સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર વધીને 7.43 ટકા પર પહોંચ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2020 09:08 PM (IST)
સતત છઠ્ઠા મહિને ઇન્ફલેશન રેટ RBIના કમ્ફર્ટ લેવલ કરતા ઉંચો રહ્યો છે.
નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે. ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાથી રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં વધીને 7.43 ટકા થઈ ગયો છે. સીપીઆઈ આધારિત મોંઘવારી દર ઓગસ્ટમાં 6.69 ટકા અને સપ્ટેમ્બર 2019માં 2.99 ટકા હતા. NSO દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર સપ્ટેમ્બરમાં 10.68 ટકા રહ્યો, જ્યારે ઓગસ્ટમાં 9.05 ટકા હતો. રિટેલ ઇન્ફલેશનના વધારા પાછળનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં વધારો છે. નોંધનીય છે કે સતત છઠ્ઠા મહિને ઇન્ફલેશન રેટ RBIના કમ્ફર્ટ લેવલ કરતા ઉંચો રહ્યો છે. સરકારે આ રેટને કાબૂમાં લાવવા મોનિટરી પોલિસી કમિટી (MPC)ની રચના કરી છે. 9 ઓક્ટોબર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, સપ્ટેમ્બરમાં ફૂગાવો વઘવાની સંભાવના છે અને નાણાકીય વર્ષના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં થોડી રાહત મળી શકે છે.