રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયંત્રણમાં આવવા પર કો-ઓપેરટિવ બેન્કો પર શું અસર થશે?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jul 2020 06:27 PM (IST)
આ બેંકોનું બેંકિંગ કાર્યની દેખરેખ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની જોગવાઇઓ અનુસાર કરવામાં આવે છે.
તાજેતરમાં જ તમામ કો- ઓપરેટિવ બેન્કો , મલ્ટી સ્ટેટ કો- ઓપરેટિવ બેન્કો તેમજ સહકારી બેન્કોને રિઝર્વ બેન્કની દેખરેખ હેઠળ મૂકવામાં આવી હતી. આ નિર્ણયને લઇને જાણીતા સીએ હિતેશ પોમલે સરકારના આ નિર્ણયને લઇને સહકારી બેન્કો અને કો-ઓપરેટીવ બેન્કો પર શું અસર થશે તેને લઇને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમના મતે અર્બન કો-ઓપ. બેન્કો, જે તે રાજ્યોના સ્ટેટ કો-ઓપ. સોસાયટી એક્ટ અથવા મલ્ટી-સ્ટેટ કો-ઓપ. સોસાયટી એક્ટ હેઠળ કો-ઓપ. સોસાયટી તરીકે રજિસ્ટર્ડ થયેલી હોય છે. અને આ બેંકોની દેખરેખ/નિયંત્રણ જે તે રાજયોના કો-ઓપ. સોસાયટી નોંધણી રજીસ્ટ્રારની ઓફિસ દ્વારા અથવા કેન્દ્રિય કો-ઓપ. સોસાયટી ઓફિસ દ્વારા કરવામાં આવે છે. આ બેંકોનું બેંકિંગ કાર્યની દેખરેખ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની જોગવાઇઓ અનુસાર કરવામાં આવે છે. તાજેતરમાં તા. 24-06-2020 ના રોજ મળેલી પ્રધાનમંડળની બેઠકમાં દેશની 1482 અર્બન કો-ઓપ. બેન્ક તથા 58 મલ્ટી-સ્ટેટ કો-ઓપ. બેન્કોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના દેખરેખ/નિયંત્રણ હેઠળ લાવવાનું વટહુકમ બહાર પાડવાની મંજૂરી મળેલ છે. કાયદામંત્રીના જણાવ્યા પ્રમાણે આ વટહુકમના કારણે દેશમાં આશરે 8 (આઠ) કરોડ ખાતેદારોના આશરે 5 (પાંચ) લાખ કરોડ રૂપિયાની થાપણોની સલામતી વધશે. પંજાબ એન્ડ મહારાસ્ટ્ર કો-ઓપ. (PMC) બેન્કની નિષ્ફળતા બાદ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 માં સહકારી ક્ષેત્રેની બેંકોમાં મજબૂતાઈ તથા વધુ પારદર્શિતા આવે તે માટે જરૂરી સુધારાઓ પ્રધાનમંડળની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા, જે સંસદમાં બંને ગૃહોની મંજૂરી મળ્યેથી કાયદો બની જશે. બજેટ-2020 ના ભાષણમાં નાણામંત્રીએ પણ આ સંદર્ભમાં જાહેરાત કરેલી જ હતી. આ સુધારા વિધેયકમાં અમુક પ્રાવધાનોને બાદ કરતાં મોટા ભાગની જોગવાઇઓ સહકારી બેન્કોને લાગુ પડે જ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સહકારી બેંકોનું સુપરવીઝન કરે જ છે. પરંતુ આ વટહુકમ બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને વિશેષ સત્તાઓ મળશે. જેવી કે, ખાસ ઓડિટરની નિમણૂક, બેન્કોએ કરેલ ધિરાણ નિયમન કરવા, બેન્કના સમગ્ર બોર્ડને જરૂર પડે બરખાસ્ત કરવા, તેમજ બેન્કની મૂડીને સક્ષમ બનાવવા જેવી વિશેષ સત્તાઓની જોગવાઈ વટહુકમમાં હશે એવું જણાઈ રહ્યું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 માં સુધારા કરવા માટેનું વિધેયક “બેંકિંગ રેગ્યુલેશન (સુધારણા) વિધેયક, 2020” સંસદમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવેલું છે. પરંતુ લોકડાઉનના કારણે સંસદનું સત્ર મળેલ ન હોવાથી આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હોય તેવું જણાય છે. તાજેતરમાં આંતરરાજ્ય કો-ઓપ. બેંકોના ફડચામાં જવાના બનાવોને ધ્યાનમાં લઈને જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને સમગ્ર બોર્ડને બરખાસ્ત કરવાનો અને વહીવટદારની નિમણૂક કરવાની સત્તા આ વટહુકમ દ્વારા આપવામાં આવશે. તદુપરાંત, બેન્કોને લગત અમલમાં હોય તેવા કોઈ પણ કાયદા હેઠળની તમામ સત્તાઓ વહીવટદાર દ્વારા બજાવવામાં આવશે. પરંતુ સ્ટેટ લેવલ અર્બન કો-ઓપ. બેન્ક ના બોર્ડને બરખાસ્ત કરવાની જોગવાઈ “બેંકિંગ રેગ્યુલેશન (સુધારણા) વિધેયક, 2020” માં જણાતી નથી. પરંતુ જે તે રાજ્યના સહકારી મંડળીના રજીસ્ટ્રાર પાસે નોંધાયેલી હોય તેવી બેંકોના બોર્ડને જરૂર પડે જે તે રાજ્ય સરકાર સાથે વિચારણા કરી બરખાસ્ત કરી શકાશે, તેવું નાણામંત્રીએ નિવેદન કરેલ છે. તેમ છતાં, આ વટહુકમને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ ગેઝેટ દ્વારા પ્રસિદ્ધ થશે ત્યારે જ ચોક્કસ તારણ પર આવી શકાશે. આ ઉપરાંત, સહકારી બેન્કોને મૂડી વધારવા ઇક્વિટી શેર અથવા પ્રેફરન્સ શેર દ્વારા કો-ઓપ. બેન્કો પ્રીમિયમ અથવા ફેસ વેલ્યુથી શેરોનું ભરણું કરી શકે તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલ, તે મુજબની મર્યાદાઓ/નિયંત્રણો ને આધીન રહીને શેરો ઇશ્યૂ થઈ શકે તેવી જોગવાઈ હોવાની પૂરી સંભાવના છે. સહકારી બેન્કોનું સ્ટેટ્યૂટરી ઓડિટ રાજ્યના નોંધણી વિભાગ તરફથી કરવામાં આવેલ છે. તેમ છતાં પણ સંજોગોવસાત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને જરૂર જણાય તો યોગ્ય લાયકાત ધરાવતી ઓડિટર તરીકે નિમણૂક કરશે, જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ને અલગથી રિપોર્ટ કરશે, તેવી જોગવાઈ આવવાની સંભાવના છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ અર્બન કો-ઓપ. બેન્કના નિયમન માટે જે આદેશો અમલમાં મૂકેલા છે, તેને કાયદાકીય બળ આપવા માટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 સુધારણા વિધેયક, 2020 ના ભાગરૂપે જ આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હોય એવું જણાય છે. જે કો-ઓપ. બેંકોમાં સુશાસન છે તે બેન્કોને આ વટહુકમથી કોઈ તકલીફ અથવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી કોઈ વધારે નિયંત્રણ લાદવામાં આવે અથવા રોજબરોજના બેંકિંગ કર્યોમાં કોઈ દખલગીરી થશે નહીં, પરંતુ જે બેંકોના વ્યવસ્થાપક મંડળ દ્વારા સુશાસનનો અભાવ છે અથવા થાપણદારોનું હિત જોખમમાં મુકાય એવું જણાશે એમને ચોક્કસ અસર થશે એવું જણાય છે.