નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,85,493 પર પહોંચી છે અને 17,400 લોકોના મોત થયા છે. 3,47,979 લોકો સાજા થઈ ગયા છે 2,20,114 એક્ટિવ કેસ છે.

આ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે હરપિન નામના ઈન્જેકશનની કિંમતમાં 50 ટકાનો તોતિંગ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઈન્જેક્શન આઈસીયુમાં દાખલ કોરોના દર્દીને આપવામાં આવે છે. આ ઈન્જેક્શન ફેફસમાં જામી ગયેલા લોહીના ગઠ્ઠાને ખતમ કરવા માટે દર્દીને આપવામાં આવે છે.

Pfizer Inc, વેલોના ફાર્મા, બી. બ્રુઆન, ગ્લેન્ડ ફાર્મા લિમિટેડ, સાગેન્ટ ફાર્માસ્યુટિક્લ ઈન્ક સહિત અનેક કંપનીઓ આ ઈન્જેકશન બનાવે છે. સરકારના ફેંસલા બાદ હવે આ કંપનીઓ 50 ટકા વધારે કિંમત વસૂલી શકશે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના ચેરમેન શુભ્રા સિંહે કહ્યું,  આ ઈન્જેક્શન કોવિડ દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ છે પણ 2018થી તેના રો મટીરિટલ(એપીઆઈ)ની કિંમત 200 ટકા વધી ચૂકી છે તેમ છતાં તેની કિંમત વધારાઈ નહોતી. દવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એનપીપીએએ તેની મહત્તમ કિંમત વધારવાનો નિર્ણય લીધો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,653 નવા કેસ નોંધાયા છે અને 507 લોકોના મોત થયા છે.