નવી દિલ્હીઃ કોરોના મહામારીથઈ પ્રભાવિત અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા મોદી સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોરોનાથી પ્રભાવિત સેક્ટરો અને હેલ્થ સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી યોજનાની જાહેરાત કરી હતી.


5 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પાસેથી નહીં લેવામાં આવે વીઝા ફી


નાણા મંત્રીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય યાત્રા શરૂ થયા બાદ ભારત આવતાં 5 લાખ પ્રવાસીઓ પાસેથી વીઝા ફી નહીં લેવામાં આવે. 31 માર્ચ, 2022 સુધી આ યોજના લાગુ રહેશે. જો તેની પહેલા ક્વોટા પૂરો થઈ જશે તો વિતરણ બંધ કરી દેવામાં આવશે. એક પ્રવાસી માત્ર એક જ વખત આ યોજનાનો લાભ ઉઠાવી શકશે.


કોવિડ મહામારીથી પ્રભાવિત ટૂરિઝમ સેક્ટર માટે પણ આજે જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત રજિસ્ટર્ડ ટૂરિસ્ટ ગાઇડ અને ટ્રાવેલ ટૂરિઝમ સ્ટેકહોલ્ડર્સને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.  નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ સરકાર લાયસંસધારી ટૂરિસ્ટ ગાઈડને એક લાખ રૂપિયા અને ટૂરિસ્ટ એજન્સીને 10 લાખ રૂપિયાની લોન આપશે. આ લોનમાં 100 ટકા ગેરંટી અપાશે. ઉપરાંત કોઈ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ નહીં લેવામાં આવે.




કોવિડથી પ્રભાવિત છે ટૂરિઝમ સેક્ટર


જાન્યુઆરી 2020ની શરૂઆતમાં જ્યારથી કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાવાનો શરૂ થયો ત્યારે તેની સૌથી વધુ અસર ટૂરિઝમ સેક્ટર પર પડી. લોકોના કામ ધંધા બંધ થઈ ગયા હતા અને હજારો લોકો બેકાર થઈ ગયા હતા. સરકારે કોરોના કાળમાં અનેક રાહત પેકેજ જાહેર કર્યા પરંતુ ટૂરિઝમ સેક્ટર માટે કોઇ જાહેરાત કરવામાં આવી નહોતી. જોકે સરકારે હવે જે સેક્ટરો પર કોરોનાનો મોટો માર પડ્યો છે તેના પર ફોક્સ કર્યુ છે અને તેમાં ટૂરિઝમ સેક્ટર પણ સામેલ છે.




કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, અમે 8 આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી રહ્યા છીએ. જેમાંથી 4 બિલકુલ નવા છે અને એક ખાસ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે. કોવિડ પ્રભાવિત ક્ષેત્રો માટે 1.1 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરન્ટી યોજના અને આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાના પેકેજ તેમજ અન્ય ક્ષેત્ર માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. જે અંતર્ગત 100 કરોડ સુધીની લોન 7.95 ટકાના વ્યાજ દરે અપાશે. જ્યારે અન્ય ક્ષેત્રો માટે 8.25 ટકાથી વધુ વ્યાજ નહીં હોય.