નવી દિલ્હીઃ આજકાલ ફોન અને ઈન્ટરનેઠના વધતા ઉપયોગના કારણે અનેક પ્રકારના ગુના સામે આવી રહ્યા છે. હજુ સુધી બેંક દ્વારા કોઈપણ અજાણ્યા વ્યક્તિને તમારો ડેબિટ, ક્રેડિટ કાર્ડ પિન નંબર કે ઓટીપી શેર ન કરવાનું કહેવામાં આવતું હતું. પરંતુ હવે સાઇબર અપરાધીઓ નવી રીતે ક્રાઇમને અંજામ આપી રહ્યા છે.
જે મુજબ ઓટીપી વગર પણ તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી શકે છે. આવા લોકો ફોન કરીને તમને કોઈ પ્રકારની મદદ ઓફર કરે છે. જે બહાને ફોન કે લેપટોમાં પણ કોઈ પ્રકારની એપ ડાઉનલોડ કરાવે છે. જે બાદ ક્ષણભરમાં તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી માહિતી ચોરીને તમને ચૂનો લગાવે છે.
સાઇબર ક્રિમિનલ ફોન કરીને તમને જાળમાં ફસાવે છે. એક ઘટના મુજબ, દિલ્હીના રહેવાસી સુરેશ પર પેટીએમ કેવાયસી વેરિફિકેશનનો ફોન આવ્યો હતો. ફોન કરતાં શખ્સે કહ્યું કે, જો વેરિફિકેશન નહીં કરો તો 24 કલાકમાં એકાઉન્ટ બંધ થઈ જશે. ફોન કરનાર વ્યક્તિએ સુરેશને તેના મોબાઇલમાં ક્વિક સપોર્ટ એપ ડાઉનલાડ કરવા કહ્યું, જે બાદ બીજા એકાઉન્ટમાંથી સુરેશને રૂપિયા નાંખવા કહ્યું.
સુરેશે બીજા એકાઉન્ટથી એક રૂપિયો ટ્રાન્સફર કર્યો. આ દરમિયાન તે વ્યક્તિએ ક્વિસ સપોર્ટથી ફોન હેક કરી લીધો અને સુરેશના ક્રેડિટ કાર્ડનો પિન જોઈ લીધો. તેણે 9,999 રૂપિયાના બે ટ્રાન્ઝેક્શન કરી લીધા. સુરેશે આ મામલે એફઆઈઆર નોંધાવી છે.