જો તમે તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકવા માંગતા હો અને સાથે સારું વળતર પણ ઈચ્છતા હો, તો પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ (Post Office Savings Scheme) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હાલમાં જ RBI એ રેપો રેટમાં ઘટાડો કરતા બેંકોએ FD ના વ્યાજદરમાં કાપ મૂક્યો છે, પરંતુ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) સ્કીમમાં હજુ પણ તગડું વળતર મળી રહ્યું છે. અહીં ₹2,00,000 નું રોકાણ કરીને તમે મેચ્યોરિટી પર ₹89,990 સુધીનું વ્યાજ મેળવી શકો છો.

Continues below advertisement

તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં કુલ 1.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સીધી અસર સામાન્ય માણસની બચત પર પડી છે, કારણ કે દેશની તમામ મોટી બેંકોએ પોતાની ફિક્સ ડિપોઝિટ (FD) પરના વ્યાજદરો ઘટાડી દીધા છે. જોકે, નિરાશ થવાની જરૂર નથી. પોસ્ટ ઓફિસની યોજનાઓ આર્થિક ઉતાર-ચઢાવ વચ્ચે પણ ગ્રાહકોને સ્થિર અને ઊંચું વળતર આપી રહી છે.

કોણ નક્કી કરે છે વ્યાજદર? 

Continues below advertisement

ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે પોસ્ટ ઓફિસના વ્યાજદરો RBI ના રેપો રેટ સાથે સીધા સંકળાયેલા નથી. આ દરો નક્કી કરવાની સત્તા નાણા મંત્રાલય (Finance Ministry) પાસે છે. સરકાર દર ત્રણ મહિને આ દરોની સમીક્ષા કરે છે અને જરૂર જણાય તો તેમાં ફેરફાર કરે છે. પોસ્ટ ઓફિસમાં જમા કરેલા નાણાં પર ભારત સરકારની સવરિન ગેરંટી (Sovereign Guarantee) મળે છે, એટલે કે તમારા પૈસા ડૂબવાનું જોખમ શૂન્ય છે.

Time Deposit (TD) સ્કીમમાં કેટલું વ્યાજ મળે છે? 

તમે પોસ્ટ ઓફિસમાં બેંકની FD ની જેમ જ Time Deposit (TD) ખાતું ખોલાવી શકો છો. હાલમાં સરકાર આ સ્કીમ પર ખૂબ જ આકર્ષક વ્યાજ આપી રહી છે:

1 Year: 6.9% વ્યાજ

2 Years: 7.0% વ્યાજ

3 Years: 7.1% વ્યાજ

5 Years: 7.5% વ્યાજ (સૌથી વધુ)

₹2,00,000 ના રોકાણનું ગણિત

જો તમે 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં ₹2,00,000 નું રોકાણ કરો છો, તો 7.5% ના વ્યાજદરે ગણતરી કરીએ તો મેચ્યોરિટી સમયે તમને જોરદાર ફાયદો થશે.

મૂડી રોકાણ: ₹2,00,000

સમયગાળો: 5 વર્ષ

વ્યાજની રકમ: ₹89,990 (અંદાજિત)

કુલ મળતી રકમ: ₹2,89,990

આમ, તમને ફક્ત વ્યાજ પેટે જ લગભગ 90 હજાર રૂપિયા મળી જશે. હાલમાં ભાગ્યે જ કોઈ બેંક સામાન્ય નાગરિકોને 5 વર્ષની FD પર 7.5% વ્યાજ આપી રહી છે.

અહીં એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે બેંકોમાં વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) ને સામાન્ય ગ્રાહકો કરતા 0.50% વધુ વ્યાજ મળે છે, જ્યારે પોસ્ટ ઓફિસની TD સ્કીમમાં તમામ ઉંમરના લોકો માટે વ્યાજદર સમાન રહે છે. તેથી રોકાણ કરતા પહેલા તમારી ઉંમર અને જરૂરિયાત મુજબ ગણતરી કરવી હિતાવહ છે. જોકે, સુરક્ષા અને વળતરની દ્રષ્ટિએ પોસ્ટ ઓફિસ આજે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.