Dollar vs Rupee: શુક્રવાર, 23 સપ્ટેમ્બરે, રૂપિયો ડૉલર સામે તેના સૌથી નીચા સ્તરે ખૂલ્યો હતો. રૂપિયો પ્રથમ વખત પ્રતિ ડોલર 81ના સ્તરને પાર કરી ગયો છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ગુરુવારે રૂપિયો ડોલરની સરખામણીએ 80.86 ના સ્તર પર બંધ થયો હતો. ગુરુવારે રૂપિયામાં થયેલો ઘટાડો 24 ફેબ્રુઆરી પછીનો સૌથી મોટો ઘટાડો હતો. નિષ્ણાતોના મતે ડોલર સામે રૂપિયો 81 અથવા 81.50 ના સ્તર સુધી જઈ શકે છે.


નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે કહ્યું હતું કે સરકાર વિનિમય દર અને ફુગાવા પર નજર રાખી રહી છે અને યોગ્ય પગલાં લઈ રહી છે.


યુએસ ડૉલર ઇન્ડેક્સ 111 થી ઉપર રહે છે અને બે વર્ષના યુએસ બોન્ડની યીલ્ડ 4.1 ટકાની બહુ-વર્ષની ઊંચી સપાટીથી ઉપર છે. આ કારણોને લીધે શુક્રવારે પ્રથમ વખત ડોલર સામે રૂપિયો 81.23ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો હતો.


પીટીઆઈના અહેવાલ મુજબ, ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો અને યુક્રેનમાં ભૌગોલિક રાજકીય જોખમમાં વધારો થવાથી જોખમ ઉઠાવાવની ક્ષમતા પર પણ અસર થઈ છે. આ જ કારણ છે કે વિદેશી બજારોમાં યુએસ કરન્સી મજબૂત થઈ છે. સ્થાનિક ઈક્વિટી માર્કેટના સ્થિર વલણ, રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતામાં ઘટાડો અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર રૂપિયા પર પડી છે.


પીટીઆઈએ એચડીએફસી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારને ટાંકીને જણાવ્યું હતું કે સ્થાનિક ફંડામેન્ટલ્સ મજબૂત હોવા છતાં રૂપિયામાં ઘટાડાનો વર્તમાન ટ્રેન્ડ થોડો સમય ચાલુ રહી શકે છે. જોકે, અન્ય દેશોની કરન્સીની સરખામણીએ રૂપિયાનું પ્રદર્શન સારું રહેશે. પરમારે જણાવ્યું હતું કે USD-INR ની સ્પોટ પ્રાઇસનો પ્રતિકાર 81.25 થી 81.40 ની રેન્જમાં છે જ્યારે તેને 80.12 ના સ્તરે સપોર્ટ મળશે.


યુએસ ડોલર સામે ભારતીય ચલણ


01 જાન્યુઆરી - 75.43


01 ફેબ્રુઆરી - 74.39


01 માર્ચ - 74.96


01 એપ્રિલ - 76.21


01 મે - 76.09


01 જૂન - 77.21


01 જુલાઈ - 77.95


01 ઓગસ્ટ - 79.54


29 ઓગસ્ટ - 80.10


22 સપ્ટેમ્બર - 80.79