Elon Musk Net Worth: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump President) ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે ભારતીય મૂળના કમલા હેરિસને હરાવ્યા હતા. ટ્રમ્પની જીતથી અમેરિકન શેરબજારમાં તેજી જોવા મળી હતી. સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક પર રૂપિયાનો વરસાદ થયો હતો. મસ્કે માત્ર 24 કલાકમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. વાસ્તવમાં યુએસ માર્કેટમાં તેજી વચ્ચે મસ્કની કંપની ટેસ્લાના (Tesla Share) શેરમાં 15 ટકાનો ઉછાળો આવ્યો હતો.
અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારે અમેરિકન શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 1508 પોઈન્ટ અથવા 3.57 ટકા વધીને 43,729 ના સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે S&P500માં પણ તેજી જોવા મળી હતી. તે 2.53 ટકા ઉછળ્યો હતો. એટલું જ નહીં, Nasdaqમાં પણ લગભગ 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અમેરિકન માર્કેટમાં આવેલી આ તેજીને કારણે ઘણી કંપનીઓના શેર વિક્રમી ઊંચાઈ સાથે ઉછળ્યા અને મસ્કથી લઈને જેફ બેઝોસ સુધીના દરેકની નેટવર્થમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
મસ્કની સંપત્તિ એક જ ઝાટકે એટલી વધી ગઈ
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્કને ટ્રમ્પની જીતને કારણે અમેરિકન માર્કેટમાં આ તેજીનો સૌથી વધુ ફાયદો થયો અને તેમની નેટવર્થમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મસ્કની નેટવર્થમાં 26.5 બિલિયન ડોલર અથવા લગભગ 22,32,65 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. સંપત્તિમાં આ વધારા પછી મસ્કની નેટવર્થ 290 બિલિયન ડોલર થઈ ગઈ છે.
ટેસ્લા સ્ટોકમાં તેજી
મસ્કની સંપત્તિમાં આ ઉછાળા પાછળનું કારણ તેની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના શેરમાં મજબૂત વધારો છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સમાચારને કારણે ટેસ્લાના શેરમાં લગભગ 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. ટેસ્લાના શેર 284.67 ડોલરના સ્તરે ખૂલ્યા અને 289.59 ડોલરના સ્તર સુધી પહોંચ્યો હતો. બજારના બંધ સમયે થવા સમયે ટેસ્લાનો આ સ્ટોક 14.75 ટકાના જંગી વધારા સાથે 288.53 ડોલર પર બંધ થયો હતો.
આ અબજોપતિઓની સંપત્તિમાં પણ વધારો
અમેરિકન શેરબજારમાં ઉછાળાની અસર માત્ર મસ્કની સંપત્તિ પર જ દેખાતી નથી પરંતુ ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં સામેલ અન્ય દિગ્ગજોની સંપત્તિમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ અનુસાર, એમેઝોનના જેફ બેઝોસે છેલ્લા 24 કલાકમાં 7.14 બિલિયન ડોલરનો નફો કર્યો અને તેમની નેટવર્થ વધીને 228 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સિવાય લેરી એલિસને 9.88 બિલિયન ડોલર, લેરી પેજે 5.53 બિલિયન ડોલર અને વોરેન બફેટે 7.58 બિલિયન ડોલરની કમાણી કરી હતી.