Elon Musk Tesla Office: ટેસ્લા ભારતમાં તેના મોટર વ્હીકલ બિઝનેસને વિસ્તારવા માટે તૈયાર છે. એલન મસ્કની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પૂણેના પંચશીલ બિઝનેસ પાર્કમાં ઓફિસની જગ્યા ભાડે રાખી છે. ટેસ્લાના એક્ઝિક્યુટિવ્સનું પ્રતિનિધિમંડળ ભારતમાં તેની ઈલેક્ટ્રિક કારના વેચાણ માટેના પ્રોત્સાહનો અને લાભો અંગે ચર્ચા કરવા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને મળ્યા બાદ કંપનીએ આ ઓફિસ ભાડે રાખી છે.


ભાડું દર વર્ષે પાંચ ટકા વધશે


ઓફિસની જગ્યા ટેસ્લાની ભારતીય પેટાકંપની તરફથી પાંચ વર્ષ માટે લીઝ પર લેવામાં આવી છે. ટેસ્લાની પેટાકંપનીએ પંચશીલ બિઝનેસ પાર્કમાં બી વિંગના પહેલા માળે 5,580 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ લીધી છે. આ ડીલ ટેબલસ્પેસ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ સાથે કરવામાં આવી છે. તેનું ભાડું 1 ઓક્ટોબર, 2023થી શરૂ થશે અને બંને કંપનીઓ દર વર્ષે 5 ટકાના વધારા સાથે 36 મહિનાના લૉક-ઇન પિરિયડ પર સહમત થઈ છે. જો આ કંપની ઈચ્છે તો તે વધુ પાંચ વર્ષ માટે લીઝ વધારી શકે છે.


સોદામાં કેટલા રૂપિયામા થયો


રિયલ એસ્ટેટ એનાલિટિક્સ ફર્મ CRE મેટ્રિક્સ અનુસાર શેર કરવામાં આવેલા દસ્તાવેજોને ટાંકીને હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટેસ્લા 60 મહિના માટે જગ્યા ભાડે રાખવાના બદલામાં 11.65 લાખ રૂપિયાનું માસિક ભાડું અને 34.95 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવશે. નોંધનીય છે કે પંચશીલ બિઝનેસ પાર્ક હાલમાં નિર્માણાધીન છે અને તેનું કુલ કદ 10,77,181 ચોરસ ફૂટ છે. તે પૂણે ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે.


પેટાકંપની 2019 માં ખોલવામાં આવી હતી


ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારત સરકાર ટેસ્લાના વિદેશી સપ્લાયરોને ખાસ કરીને ચાઈનીઝ સપ્લાયરોને દેશમાં ઉત્પાદન કરવાની મંજૂરી આપી શકે છે. જો કે સરકારે આ અંગે કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. નોંધનીય છે કે ટેસ્લાએ 2019માં બેંગલુરુમાં તેની ભારતીય સબસિડિયરીની નોંધણી કરાવી હતી. આ સિવાય દેશમાં ઈલેક્ટ્રિક વાહનો અને ઈવી બેટરી બનાવવા માટે ફેક્ટરી બનાવવાની યોજના બનાવવામાં આવી હતી.