GST Council Meeting: ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર 28 ટકા GST વસૂલવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવશે નહીં. 1 ઓક્ટોબર 2023થી ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર 28 ટકાનો નિર્ણય લાગુ કરવામાં આવશે અને આ તારીખના છ મહિના પછી GST કાઉન્સિલ લાદવામાં આવેલા ટેક્સની સમીક્ષા કરશે.


51મી GST કાઉન્સિલની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ


નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 51મી GST કાઉન્સિલની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ હતી. બેઠક બાદ નાણામંત્રીએ કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપી હતી. નાણાપ્રધાને જણાવ્યું કે દિલ્હી, ગોવા, સિક્કિમે ઓનલાઈન ગેમિંગને 28 ટકા GST હેઠળ લાવવાના નિર્ણયની સમીક્ષાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે 6 મહિના પછી GST કાઉન્સિલ દ્વારા ઑનલાઇન ગેમિંગ, કેસિનો, હોર્સ રેસિંગ પર 28 ટકા GST વસૂલવાના નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે.


 






સટ્ટાબાજીની સંપૂર્ણ કિંમત પર 28% GST વસૂલવામાં આવશે


11 જુલાઇ, 2023ના રોજ, GST કાઉન્સિલે તેની 50મી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર 28 ટકા GST વસૂલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગમાં સટ્ટાબાજીની સંપૂર્ણ કિંમત પર 28% GST વસૂલવામાં આવશે. આ નિર્ણય બાદ કેન્દ્ર અને રાજ્યોના ટેક્સ અધિકારીઓએ ટેક્સ કલેક્શન સંબંધિત ડ્રાફ્ટ નિયમો તૈયાર કર્યા છે. નાણાપ્રધાને કહ્યું કે કેન્દ્રીય GST કાયદામાં સુધારાનો પ્રસ્તાવ ચોમાસુ સત્રમાં જ સંસદમાં રજૂ કરવામાં આવશે.


ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશને GST કાઉન્સિલના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો


નાણામંત્રીએ કહ્યું કે 28 ટકા GST વસૂલવાનો નિર્ણય એન્ટ્રી લેવલ પર લેવામાં આવશે, જીતવાની રકમ પર નહીં. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે કાઉન્સિલ ફેસ વેલ્યુ પર GST વસૂલવાના તેના નિર્ણય પર અડગ છે. આ અગાઉ, ઓનલાઈન ગેમિંગ કંપનીઓમાં અગ્રણી ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશને GST કાઉન્સિલના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial