Elon Musk Twitter Employees : એક સમયે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાના એક એવા ટેસ્લા કંપનીના માલિકે જ્યારથી સોશિયલ મીડિયા માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર ખરીદી છે ત્યારથી તેઓ સતત વિવાદમાં સપડાતા રહે છે. ટ્વિટર ખરીદ્યા બાદ ઈલોન મસ્કની આર્થિક સ્થિતિ પણ ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. જેથી તેમણે ટ્વિટરન્ના કર્મચારીઓને વિચિત્ર પ્રકારનો કહી શકાય તેવો આદેશ આપ્યો છે જેણે દુનિયાભરમાં ચર્ચા જગાડી છે. 


ઈલોન મસ્કે ટ્વિટરના ખર્ચનો બોજ ઓછો કરવા માટે પહેલા કર્મચારીઓની છટણી કરી હતી અને પછી ઓફિસમાંથી જ સામાન વેચવાનું શરૂ કર્યું છે. ટ્વિટરનો ખર્ચ ઘટાડવા માટે મસ્ક હવે હદ વટાવી ચૂક્યા છે. ઈલોન મસ્કે ખર્ચ ઘટાડવા માટે ઓફિસમાં ટોયલેટ પેપરની સુવિધા જ બંધ કરી દીધી છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે, કર્મચારીઓને ટોઇલેટ પેપર પણ ઘરેથી જ લઇને ઓફિસ આવવું પડી રહ્યું છે.


કર્મચારીઓ ટોઇલેટ પેપર લાવ્યા


ઈલોન મસ્કે તાજેતરમાં ટ્વિટરના ઘણા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. ટ્વિટરની પોલિસી એક પછી એક ગંભીર રીતે બદલાઈ રહી છે. ટ્વિટરની ઓફિસમાં ઘણી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ડેટા સેન્ટરને પણ બંધ કરવાનો આદેશ બહાર પાડી દેવામાં આવ્યો છે. મસ્કે ટ્વિટરના ખર્ચને ઘટાડવા માટે ઓફિસનું ભાડું, સેવાઓ, કિચન સર્વિસ, કર્મચારીઓને મળતા જુદા જુદા ખર્ચ પણ બંધ કરી દીધા છે. હવે તેમણે ઓફિસના ચોકીદાર અને સુરક્ષા સેવાઓમાં પણ ઘટાડો કર્યો છે. હવે સ્થિતિ એવી બની ગઈ છે કે, ટ્વિટરની સાન ફ્રાન્સિસ્કો ખાતેની ઓફિસમાં ચારેબાજુ અવ્યવસ્થા અને ગંદગીના ઢગ ખડકાયા છે. દુર્ગંધ અને કચરો સડી જવાના કારણે કામ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હેન્ડવોશ અને ટોઇલેટ પેપર જેવી આવશ્યક વસ્તુઓ રેસ્ટરૂમમાં પણ ઉપલબ્ધ નથી.


કર્મચારીઓએ શૌચાલયનો ઉપયોગ કરવા માટે પોત પોતાના ઘરેથી જ ટોઇલેટ પેપર લાવવું પડી રહ્યું છે. એક અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ અનુસાર ટ્વિટરની ઓફિસોમાંથી સિક્યુરીટી પણ ઘટાડી દેવામાં આવી છે. ખર્ચ ઘટાડવા માટે ચોકીદારોને હટાવી દેવામાં આવ્યા છે. ઓફિસ મેન્ટેનન્સ એજન્સીઓના લેણાં નોકળતા પૈસા પણ સમયસર નથી ચુકવાઈ રહ્યાં. જેના કારણે ત્યાં સફાઈ પણ નથી થઈ રહી. લોકો ગંદકી વચ્ચે કામ કરવા મજબૂર બન્યા છે. મસ્કના આ નિર્ણયોને કારણે કર્મચારીઓએ ટોયલેટ પેપર લઈને ઓફિસ પહોંચવું પડે છે. હજી પણ મસ્ક સતત ખર્ચમાં ઘટાડો કરવાની દિશામાં જ કામ કરી રયાં છે. જેથી આગામી સમયમાં ટ્વિટર અને તેના કર્મચારીઓને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે તેવી શક્યતા છે.