નવી દિલ્હી: કોરોના સંક્રમણના કારણે આર્થિક સંકટમાં ફસાયેલા કર્મચારીઓએ એપ્રિલથી જુલાઈ વચ્ચે પોતાના પીએફમાંથી 30 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા છે. પીએમમાં યોગદાન કરતા 80 લાખ લોકોએ આ દરમિયાન પોતાના રિટાયરમેન્ટ બેનિફિટમાંથી 30 હજાર કરોડ રુપિયા ઉપાડ્યા છે. આટલી મોટી રકમ ઉપાડવાથી ઈપીએફઓની કમાણી પણ ઓછી થશે. તેનાથી આવનારા સમયમાં પીએફના વ્યાજ દરમાં પણ ઘટાડો કરવો પડી શકે છે. નાણાકીય વર્ષ 2021 માં ભંડોળની આવક પર ભારે અસર થવાની શકયતા અધિકારીઓએ વ્યકત કરી હતી.


ઈપીએફઓ મુજબ કોવિડ વિંડોના માધ્યથી આશરે 30 લાખ ગ્રાહકો દ્વારા 8 હજાર કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જ્યારે પચાસ લાખ ગ્રાહકોએ જનરલ નિયમ મુજબ 22 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા છે. વધુ પડતા પૈસા મેડિકલ એડવાન્સ તરીકે ઉપાડવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન સરકારે કોવિડ વિંડોથી પૈસા ઉપાડવાની સુવિધા આપી હતી. ઈપીએફઓનું માનવું છે કે આગામી કેટલાક દિવસોમાં પીએફમાંથી પૈસા ઉપાડનારા કર્મચારીઓની સંખ્યા વધીને એક કરોડ સુધી પહોંચી શકે છે.

ઈપીએફઓના અધિકારીઓનાં જણાવ્યા મુજબ એપ્રિલથી જુલાઈનાં ત્રીજા સપ્તાહ દરમ્યાન ઉપાડ કરવામાં આવેલી રકમ સામાન્ય કરતા વધારે હતી. કોરોના મહામારીને પગલે અનેક લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. તો અમુકનાં પગારમાં કાપ તથા મેડીકલ ખર્ચ વધતાં આ ઉપાડની પરિસ્થિતિ સમજી શકાય તેમ છે.