ચાર માર્ચના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના સેન્ટ્રલ બોર્ડની શ્રીનગરમાં બેઠક મળવાની છે. આ બેઠકમાં 2020-21 માટે વ્યાજ દરની જાહેરાત કરવાના પ્રસ્વાતનો નિર્ણય થવાની સંભાવના છે.
ઈપીએફઓ બોર્ડના એક સભ્ય કેઈ રઘુનાથને કહ્યું કે, તેણે કેન્દ્રીય બોર્ડની આગામી બેઠક શ્રીનગરમાં ચાર માર્ચે થવાની જાણકારી સોમવારે મળી. બેઠકનો એજન્ડા ટૂંક સમયમાં જ મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, બેઠકની સૂચના સંબંધિત ઈમેલમાં 2020-21ના વ્યાજ દર પર ચર્ચાનો કોઈ ઉલ્લેખ નથી.
એ વાતની અટકળો છે કે ઈપીએફઓ આ નાણાંકીય વર્ષ (2020-21) માટે પીએફ પર વ્યાજ દર ઘટી શકે છે, જે 2019-20 માટે 8.5 ટકા હતો.
છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાજદરમાં થયેલ ઘટાડાના કારણે પીએફમાંથી થતી આવક પર પણ બહુ અસર થઇ છે. જણાવી દઇએ કે ઇપીએફઓ પોતાનો મોટાભાગનો હિસ્સો સરકારી સીક્યોરીટીઝમાં રોકે છે. ગત વર્ષોમાં સરકારે નાણાકીય વર્ષ 2020 માટે 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો જે છેલ્લા સાત વર્ષોમાં સૌથી ઓછું હતું. 2019ના નાણાકીય વર્ષમાં આ દર 8.65 ટકા હતો.
પ્રોવીડંટ ફંડ અંગે એક ખરાબ સમાચાર બજેટ 2021માં પણ આવ્યા હતા, જેમાં પીએફમાં યોગદાન પર ટેક્ષ છૂટનો નિયમ બદલાયો છે. નવા નિયમમાં હાઇ ઇન્કમ બ્રેકેટવાળા લોકોને પીએફ પર મળતા વ્યાજની છૂટને ઓછી કરી નખાઇ છે. જો કોઇ વ્યકિતનું પીએફમાં વાર્ષિક યોગદાન 2.5 લાખથી વધારે હશે તો 2.5 લાખથી વધારાની રકમ પર તેને જે વ્યાજ મળશે તેના પર તેણે ટેક્ષ ચૂકવવો પડશે.