એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના કરોડો સભ્યો માટે સારા સમાચાર છે. સરકાર હવે EPFO માટે 'ઇન્ટેસ્ટ સ્ટેબિલાઇઝેશન રિઝર્વ ફંડ' બનાવવાનું વિચારી રહી છે. તેનો ઉદ્દેશ્ય EPFOના 6.5 કરોડથી વધુ સભ્યોને તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) યોગદાન પર સ્થિર વ્યાજ દરો આપવાનો રહેશે.
બજારની વધઘટથી સુરક્ષિત રહેશે
ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, શ્રમ અને રોજગાર મંત્રાલયે આ સંદર્ભમાં આંતરિક અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસના આધારે, EPFO સભ્યો તેમના રોકાણ પરના વળતરથી સ્વતંત્ર રીતે નિશ્ચિત વ્યાજ દર મેળવી શકશે. એવું માનવામાં આવે છે કે બજારની વધઘટની અસરથી સભ્યોને બચાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.
આ ફંડ કેવી રીતે કામ કરશે ?
રિપોર્ટ અનુસાર, EPFO વ્યાજમાંથી વધારાની આવકને બાજુ પર રાખીને દર વર્ષે એક રિઝર્વ ફંડ બનાવશે. આ ફંડનો ઉપયોગ એવા સમયે કરવામાં આવશે જ્યારે EPFOના રોકાણ પરનું વળતર ઘટશે. આ સાથે, સભ્યોને નિશ્ચિત વ્યાજ દર મળવાનું ચાલુ રહેશે, પછી ભલેને બજારમાં કેટલી પણ વધઘટ થાય.
નવા નિયમો ક્યારે અમલમાં આવશે ?
હાલમાં આ યોજના પ્રારંભિક તબક્કામાં છે અને આ વર્ષના અંત સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. જો આ યોજનાને EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા મંજૂરી આપવામાં આવે છે, તો તેને 2026-27 થી લાગુ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, EPFOના સેન્ટ્રલ બોર્ડની અધ્યક્ષતા શ્રમ અને રોજગાર મંત્રી કરે છે.
વ્યાજ દરોમાં વધઘટ
તમને જણાવી દઈએ કે, EPFOના વ્યાજ દર દર વર્ષે બદલાતા રહે છે. નાણાકીય વર્ષ 2023-24 માટે, EPFOએ સભ્યો માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યો હતો. એવો અંદાજ છે કે 28 ફેબ્રુઆરીએ યોજાનારી CBT બેઠકમાં આ દર 2024-25 માટે પણ જાળવી રાખવામાં આવી શકે છે.
મિન્ટના અહેવાલ અનુસાર, EPFOના વ્યાજ દર 1952-53માં 3 ટકાથી શરૂ થયા હતા અને 1989-90માં 12 ટકા સુધી પહોંચી ગયા હતા. આ દર 2000-01 સુધી રહ્યો, પરંતુ 2001-02માં ઘટીને 9.5 ટકા થયો. 2021-22માં આ દર ઘટીને 8.1 ટકા થઈ ગયો હતો, જે પછી તેને થોડો વધારીને 8.25 ટકા કરવામાં આવ્યો હતો.
PF એકાઉન્ટ માટે ATM સુવિધા
જાન્યુઆરીની શરૂઆતમાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO)ના સભ્યો એટીએમમાંથી તેમના પીએફ ખાતામાં જમા પૈસા ઉપાડી શકશે. આ માટે તેમને અલગ એટીએમ પણ આપવામાં આવશે.
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ