શું ખાનગી નોકરી કરનારાઓને પણ 9000 રૂપિયાનું ન્યૂનતમ પેન્શન મળશે? આ પ્રશ્ન ખૂબ જ ઝડપથી ઉઠી રહ્યો છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારે ગયા વર્ષે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે UPSની જાહેરાત કરી હતી. આ યોજના 25 વર્ષથી કામ કરતા કર્મચારીઓને નિવૃત્તિના છેલ્લા વર્ષમાં મળેલા મૂળભૂત પગારના અડધા જેટલા પેન્શનની ખાતરી આપે છે. નવી પેન્શન યોજના 1 એપ્રિલ, 2025થી દેશમાં લાગુ કરવામાં આવશે.


સરકાર તરફથી સરકારી કર્મચારીઓને નિશ્ચિત લઘુત્તમ પેન્શનની ખાતરી મળ્યા બાદ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ આવરી લેવામાં આવતા ખાનગી કર્મચારીઓએ પણ કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ માસિક લઘુત્તમ પેન્શન વધારવાની તેમની માંગને તીવ્ર બનાવી છે.


શું છે પેન્શનરોની માંગ ?


પેન્શનરોની માંગ છે કે લઘુત્તમ પેન્શન 1000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવામાં આવે. આ માંગણી પાછળ પેન્શનધારકોનો તર્ક એવો છે કે હાલમાં મળતું પેન્શન ઘણું ઓછું છે અને તેના કારણે તેમનું જીવન નિર્વાહ મુશ્કેલ બની ગયો છે. આ અંગે પેન્શનરોને પણ વિરોધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત પેન્શનધારકોની માંગ છે કે તેમને મફત તબીબી સુવિધાઓ અને મોંઘવારી ભથ્થું પણ મળવું જોઈએ.


માહિતી અનુસાર, હાલમાં EPS-95 હેઠળ લગભગ 186 સંસ્થાઓ છે... અને લગભગ 80 લાખ પેન્શનરો આ કેટેગરીમાં આવે છે.


પેન્શન વધારવા પર ચર્ચા, પરંતુ કોઈ જાહેરાત નથી 


જો કે, EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે દાવો કર્યો હતો કે બજેટ પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે પેન્શન વધારવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ 2025-26ના બજેટમાં આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે પેન્શનરો ખુશ નથી.


મદ્રાસ લેબર યુનિયન અને B&C મિલ્સ સ્ટાફ યુનિયને કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ હેઠળ આવરી લેવામાં આવેલા લોકો માટે ન્યૂનતમ પેન્શન વધારીને 9,000 રૂપિયા પ્રતિ માસ કરવા વિનંતી કરી છે.


બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાં પણ પેન્શનરોએ EPFO ​​ઓફિસની બહાર પ્રદર્શન કર્યું અને લઘુત્તમ પેન્શન 1000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવાની માંગ કરી.


દેશના વિવિધ મજૂર સંગઠનોએ પણ શ્રમ સંહિતા નાબૂદ કરવા અને ખાનગીકરણ બંધ કરવા જેવી માંગ સાથે 20 મેના રોજ દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે.


એટીએમમાંથી પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે 


બીજી તરફ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​ટૂંક સમયમાં એક નવી સિસ્ટમ 'EPFO 3.0' લાવવા જઈ રહ્યું છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર નવી સિસ્ટમ બેંકિંગ જેટલી જ સુવિધાજનક હશે. તેમાં ઘણા ડિજિટલ ફીચર્સ આપવામાં આવશે, જે ટ્રાન્ઝેક્શનને સરળ બનાવશે. એટલે કે એ દિવસ દૂર નથી જ્યારે EPFO ​​સભ્યો ATMમાંથી PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે.