EPFO rule change: ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એક રાહતભર્યો નિર્ણય લીધો છે. ઘણીવાર નોકરી બદલતી વખતે વચ્ચે આવતો ગેપ કર્મચારીઓને નુકસાન પહોંચાડતો હતો, પરંતુ હવે નિયમો બદલાઈ ગયા છે. નવા સુધારા મુજબ, બે નોકરી વચ્ચે 60 દિવસ (60 Days Gap) સુધીનો સમયગાળો હશે તો પણ તમારી સર્વિસ 'સતત' ગણવામાં આવશે. આ નિર્ણયથી કર્મચારીના મૃત્યુ જેવી દુર્ઘટના સમયે પરિવારને મળતા EDLI (વીમા) ના લાભો અટકશે નહીં.

Continues below advertisement

નોકરી બદલતી વખતે કર્મચારીઓને હંમેશા એ ડર સતાવતો હોય છે કે વચ્ચેના થોડા દિવસોના ગેપને કારણે તેમના પ્રોવિડન્ટ ફંડ (PF Account) અને વીમાના લાભો પર અસર થશે. ઘણીવાર માત્ર શનિ-રવિની રજા કે બે-ચાર દિવસના અંતરને કારણે ટેકનિકલ કારણોસર ક્લેમ રિજેક્ટ થતા હતા. આ સમસ્યાને કાયમ માટે દૂર કરવા શ્રમ મંત્રાલયે નિયમોમાં ઐતિહાસિક સુધારો કર્યો છે.

1. 60 દિવસનો ગેપ હવે 'સતત સેવા' (Continuous Service)

Continues below advertisement

EPFO એ નોકરીમાં ફેરફાર અને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ (EDLI Scheme) ના નિયમો સરળ બનાવ્યા છે. નવા પરિપત્ર મુજબ, જો કોઈ કર્મચારી જૂની નોકરી છોડીને નવી નોકરીમાં જોડાય અને બંને વચ્ચે 60 દિવસ સુધીનો ગાળો હોય, તો તેને 'સર્વિસ બ્રેક' ગણવામાં આવશે નહીં. એટલે કે, તમારી નોકરીની સેવા સળંગ ગણવામાં આવશે.

2. પરિવારને મળશે વીમા કવચ (Insurance Benefits)

આ નિયમનો સૌથી મોટો ફાયદો કર્મચારીના આશ્રિતોને થશે. જો કોઈ EPFO સભ્યનું છેલ્લું પીએફ કોન્ટ્રીબ્યુશન (PF Contribution) જમા થયાના 60 દિવસની અંદર આકસ્મિક મૃત્યુ થાય, તો ભલે તે સમયે તે કોઈ કંપનીમાં હાજર પર ન હોય, તો પણ તેના પરિવારને વીમાની રકમ મળવાપાત્ર રહેશે. અગાઉ આવા કિસ્સામાં 'નોકરી પર નથી' તેમ કહીને ક્લેમ નકારી કાઢવામાં આવતા હતા.

3. રજાઓ હવે નહીં બને અડચણ

જૂના નિયમોમાં વિચિત્ર વિડંબણા હતી. જો કોઈ કર્મચારી શુક્રવારે રાજીનામું આપે અને સોમવારે નવી કંપનીમાં જોડાય, તો વચ્ચે આવતા શનિ-રવિને સર્વિસ બ્રેક (Service Break) ગણવામાં આવતો હતો. હવે નવા નિયમ મુજબ, નોકરી બદલતી વખતે આવતી સાપ્તાહિક રજાઓ (Weekends) કે જાહેર રજાઓને સર્વિસ બ્રેક ગણવામાં આવશે નહીં. આ સમયગાળામાં જો કોઈ દુર્ઘટના થાય તો પરિવાર વીમાના હકદાર રહેશે.

4. લઘુત્તમ વીમામાં વધારો (Minimum Assurance Benefit)

EPFO એ લઘુત્તમ વીમાની રકમ અંગે પણ મોટો નિર્ણય લીધો છે. હવેથી, જે કર્મચારીઓએ મૃત્યુ પહેલા સળંગ 12 મહિના કામ ન કર્યું હોય અથવા જેમના પીએફ ખાતામાં બેલેન્સ ₹50,000 થી ઓછું હોય, તેમના નોમિનીને પણ ઓછામાં ઓછા ₹50,000 નો વીમા લાભ ચોક્કસ મળશે. અગાઉ આવા કિસ્સાઓમાં પરિવારને નજીવી રકમ મળતી હતી અથવા ક્લેમ મળતો જ ન હતો.