નવી દિલ્હી: વધતી જતી મોંઘવારીને જોતા સરકાર નોકરીયાતોને રાહત આપવા માટે પીએફ પરના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) આવતા મહિને માર્ચમાં યોજાનારી બેઠકમાં 2021-22 માટે PF થાપણો પરના વ્યાજ દરો અંગે નિર્ણય લઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં 2021-22 માટે પીએફ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કરવામાં આવી શકે છે.
કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે EPFOની CBTની બેઠક માર્ચમાં ગુવાહાટીમાં યોજાશે. તેમાં 2021-22 માટે વ્યાજ દરો નક્કી કરવાના પ્રસ્તાવ આપવામાં આવશે. EPFO 2021-22 તેમજ 2020-21 માટે વ્યાજ દર 8.5 ટકા જાળવી રાખશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા CBT વડા યાદવે કહ્યું કે આગામી નાણાકીય વર્ષ માટે કમાણીના અંદાજના આધારે નિર્ણય લેવામાં આવશે.
CBT એ માર્ચ 2021 માં 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. ઓક્ટોબર 2021માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે તેને મંજૂરી આપી હતી. જે બાદ EPFOએ તેની ફિલ્ડ ઓફિસોને 2020-21 માટે સબસ્ક્રાઇબર્સના ખાતામાં 8.5 ટકા વ્યાજ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
CBT દ્વારા વ્યાજ દર પર નિર્ણય લીધા પછી તેને નાણાં મંત્રાલયની મંજૂરી માટે મોકલવામાં આવે છે. ત્યાંથી મંજૂરી બાદ વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. માર્ચ 2020 માં EPFOએ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરના વ્યાજ દરને 8.5 ટકાના સાત વર્ષના નીચલા સ્તરે ઘટાડી દીધો હતો.