જામનગરઃ રીલાયન્સ ગ્રુપના ચેરમેન અને દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીનો 10 ડીસેમ્બર ને શુક્રવારે જન્મદિવસ છે. મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ ખાતે પૃથ્વી અંબાણીનો જન્મદિવસ ઉજવશે. 


મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીના પહેલા જન્મદિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માટે અંબાણી પરિવાર જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. પૃથ્વી અંબાણીના બર્થ ડેની ઉજવણી માટે જામનગર એરપોર્ટ પર આજે અલગ અલગ ફ્લાઈટમાં સેલેબ્રીટિઝ આવશે. ફિલ્મી જગત અને રમત જગતની સેલીબ્રિટીઝ જામનગર રિલાયન્સના મહેમાન બનશે. હાલ એક ફ્લાઈટમાં ક્રિકેટરો ઝાહિરખાન, હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા પહોચ્યા છે.


100 થી વધુ પૂજારીઓ આશીર્વાદ આપશે


પૃથ્વીના જન્મદિવસ પર, અંબાણી પરિવારે 100 થી વધુ પૂજારીઓને આમંત્રણ પણ મોકલ્યું છે જેઓ જામનગર આવશે, જ્યાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. અહીં 100 પૂજારી પૃથ્વીના સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને પૂજા પૂર્ણ કર્યા બાદ આશીર્વાદ આપશે. સૂત્રોએ જણાવ્યું કે પૃથ્વીના જન્મદિવસને ચાર ચાંદ લગાવવા માટે ઘણા મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.


ગામના હજારો લોકોને ભોજન આપવામાં આવશે


દેશના સૌથી અમીર અંબાણી પરિવારના સૌથી યુવા સભ્યનો પ્રથમ જન્મદિવસ છે, આવી સ્થિતિમાં અંબાણી પરિવારે ગામમાં રહેતા લગભગ 50 હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. ત્યારે જામનગરના ફાર્મ હાઉસ ખાતે પૃથ્વીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ પરિવાર વતી 50 હજાર લોકોને ભોજન કરાવવામાં આવશે જેથી પૃથ્વી પર સૌ કોઈ આશીર્વાદ આપે.


કોરોનાથી બચવા માટે ક્વોરેન્ટાઈન બબલ પાર્ટી


કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ્સનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. સરકારો આ પ્રકારને રોકવા માટે નિયમોમાં ફેરફાર કરી રહી છે, જ્યારે બીજી તરફ, ડોકટરો ચેપગ્રસ્ત લોકોને કેટલી ઝડપથી ઓળખી શકાય અને તેની સારવાર કરી શકાય તેના પર વધુ પ્રયત્નો કરી રહ્યા છે. આ દરમિયાન અંબાણી પરિવારના મહત્વના ફંક્શનમાં આવનાર મહેમાનોની જમવાની વ્યવસ્થા પણ અલગ હશે. સૂત્રોએ જણાવ્યું કે મહેમાનોના ભોજન માટે આવનારા કેટરર્સને થાઈલેન્ડ અને ઈટાલીથી બોલાવવામાં આવ્યા છે. અહીં આવ્યા પછી, તે ક્રૂની કોરોનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે અને જો બધું બરાબર રહેશે તો જ તેઓ મહેમાનો માટે ભોજન બનાવી શકશે.