Tulsi Tanti Death: સુઝલોનના સ્થાપક તુલસી તંતીનું નિધન થયું છે. 64 વર્ષની વયે હાર્ટ એટેક બાદ તેમનું નિધન થતાં ઉદ્યોગિક અને વેપાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટના પનોતા પુત્ર તુલસી તંતીના નિધનથી શોકનો માહોલ છવાઈ ગયો છે. તુલસી તંતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બહુ મિત્રવર્ગ ધરાવે છે. રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાં તુલસી તંતીએ અભ્યાસ કર્યો હતો. વિન્ડ ફાર્મ ક્ષેત્રે જેમને સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ડંકો વગાડયો હતો. તુલસી તંતીએ રાજકોટથી પોતાના ધંધાની શરૂઆત કરી હતી.
રાજકોટમાં જન્મ
2 ફેબ્રુઆરી, 1958ના રોજ રાજકોટમાં રણછોડભાઈ અને રંભાબેન તંતીના ઘેર તુલસી તંતીનો જન્મ થયો હતો. તેમનો પરિવાર ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલો હતો. તુલસી તંતીએ રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. પી ડી માલવિયા કોલેજમાંથી કોમર્સ અને પોલિટેકનિક ઈન્સ્ટિટ્યુટમાંથી ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1978માં તંતી પારિવારિક બિઝનેસમાં જોડાયા. 1990ના દાયકામાં તંતી ટેક્સટાઈલ બિઝનેસમાં કામ કરી રહ્યા હતા, તે સમયે ભારતમાં વીજળીની મોટી સમસ્યા હતી. વીજળીની અનિયમિતતાના કારણે ટેક્સટાઈલ બિઝનેસના નફાનો મોટો ભાગ તેમાં ખર્ચ થઈ જતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે રાજકોટમાં કેટલાંક મિત્રોની મદદથી 1995માં પવન ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને સુઝલોન કંપનીની સ્થાપના કરી. ધીમે ધીમે તેમનો બિઝનેસ જામવા લાગ્યો અને 2001માં તેમણે આ પવન ઊર્જા બિઝનેસમાં સંપૂર્ણ ધ્યાન આપી શકાય તે હેતુથી ટેક્સટાઈલ યુનિટ વેચી દીધું.
આ રીતે રાખવામાં આવ્યું સુઝલોન નામ
કંપનીના સુઝલોન નામ રાખવા પાછળની એક રોચક વાત છે. સામાન્ય રીતે ગુજરાતીઓ સુઝ-બુઝ શબ્દનો અવાર નવાર ઉપયોગ કરતાં હોય છે. આ સુઝ-બુઝ પૈકી ‘સુઝ’ અને ‘લોન’ એટલે કે બેન્ક લોન, આ બંને શબ્દ મળીને ‘સુઝલોન’ નામ પસંદ કરવામાં આવ્યું હતું.
આ ત્રણ લોકો છે તંતીના પ્રેરણા સ્ત્રોત
તુલસી તંતીએ રિન્યુએબલ એનર્જીમાં પ્રવેશ કરવા માટે પ્રેરણા સ્ત્રોત તરીકે રિલાયન્સ, ટાટા અને ઈન્ફોસિસને ગણાવ્યા છે. તેનું કારણ આપતા તંતીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, રિલાયન્સ એટલા માટે કે તે હંમેશા મોટું વિચારે છે અને તેનો ઝડપી અમલ કરે છે. ટાટા હંમેશા સમાજ અને દેશના અર્થતંત્રમાં યોગદાન આપે છે. ઈન્ફોસિસ દેશની યુવા પ્રતિભાઓને તક આપે છે અને તેની સંપત્તિમાં તેમને હિસ્સેદાર બનાવે છે. હું આ ત્રણેય દિગ્ગજ કંપનીઓની વિચારધારા, કાર્યશૈલીને મારી કંપનીમાં લાગુ કરવા માંગુ છું.
ફોર્બ્સમાં મળ્યું છે સ્થાન
સુઝલોનને વિશ્વભરમાં જાણીતા પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્બ્સમાં સ્થાન મળ્યું છે. ફોર્બ્સ મેગેઝીને 2007માં બહાર પાડેલી ભારતના ટોપ-10 ધનવાનોની યાદીમાં તુલસી તંતીને 10મો ક્રમ મળ્યો હતો. આ ઉપરાંત 2008માં વિશ્વના ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં 368મો નંબર મળ્યો હતો. ફોર્બ્સની 2013ની યાદી મુજબ ભારતના ધનાઢ્યોની યાદીમાં તેમનો 33મો નંબર હતો.
મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ્સ ઓફ તુલસી તંતી
- બિઝનેસ લીડરશિપ એવોર્ડ 2002 બાય સોલર એનર્જી સોસાયટી ઓફ ઈન્ડિયા
- વર્લ્ડ વિન્ડ એનર્જી એવોર્ડ 2003 બાય વર્લ્ડ વિન્ડ એનર્જી એસોસિએશન
- ચેમ્પિયન ઓફ ધ અર્થ 2009 એવોર્ડ બાય યુનાઈટેડ નેશન્સ એનવાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP)
- અર્નેસ્ટ & યંગ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર 2006 એવોર્ડ બાય અર્નેસ્ટ એન્ડ યંગ
- હીરો ઓફ ધ એનવાયર્નમેન્ટ એવોર્ડ બાય ટાઈમ મેગેઝીન
- સીએનબીસી ટીવી 18 ઈન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડ
- ચંચલાણી ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડ બાય કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન
- ગ્લોબલ ન્યૂ એનર્જી બિઝનેસ લીડર અવોર્ડ બાય ચાઈના એનર્જી ન્યૂઝ
- એશિયા’સ મોસ્ટ પ્રોમિસિંગ લીડર એવોર્ડ બાય આઈબ્રાન્ડ્સ, દુબઈ