Karnataka High Court On Facebook Ban: કર્ણાટક હાઈકોર્ટે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકને આકરી ચેતવણી આપી હતી. કર્ણાટક હાઈકોર્ટે ફેસબુક પર પ્રતિબંધ લગાવી દેવાની પણ ધમકી આપી હતી. ભારતીય વ્યક્તિ સાથે સંબંધીત તપાસમાં સાથ ના આપવા બદલ ફેસબુકને આ ચેતવણી આપવામાં આવી હતી. 


સોશિયલ મીડિયા કંપની ફેસબુક પર આરોપ છે કે, તે કર્ણાટક પોલીસને તપાસમાં સહયોગ નથી કરી રહી. તપાસમાં અસહકારના કારણે હાઈકોર્ટે ફેસબુક પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું છે. આ મામલો સાઉદીમાં રહેતા એક ભારતીય સાથે સંબંધિત છે જેનું નામ શૈલેષ કુમાર છે. શૈલેષ કુમાર 25 વર્ષથી સાઉદી અરેબિયામાં કામ કરે છે. શૈલેષ કુમારની પત્ની કવિતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે જેના અંતર્ગત આ સુનાવણી થઈ રહી છે. કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિતની બેન્ચે મેટાને ચેતવણી આપી છે. 


શું છે સમગ્ર મામલો?


કવિતાએ કોર્ટને જણાવ્યું હતું કે, તેના પતિ શૈલેષ કુમારે એકવાર ફેસબુક પર CAA અને NRCના સમર્થનમાં પોસ્ટ કરી હતી, પરંતુ કેટલાક લોકોને તે પસંદ ન આવી અને શૈલેષના નામે નકલી એકાઉન્ટ બનાવીને તેણે સાઉદી અરેબિયાના કિંગ અને ઇસ્લામ વિરુદ્ધ ખોટી અને પાયાવિહોણી પોસ્ટ કરી. ત્યાર બાદ સાઉદી પોલીસે શૈલેષની ધરપકડ કરી હતી. કવિતાએ આ મામલે મેંગલુરુ પોલીસને ફરિયાદ કરી હતી જે આ મામલે તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન મેંગલુરુ પોલીસે ફેસબુક પાસેથી કેટલીક માહિતી માંગી હતી પરંતુ કંપનીએ જવાબ જ આપ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, શૈલેષ કુમાર કેસની તપાસમાં વર્ષ 2021થી વિલંબ થઈ રહ્યો છે.


તપાસ ક્યાં પહોંચી?


કવિતાએ હાઈકોર્ટ પાસે મદદ માંગી છે અને આ મામલે કેન્દ્રને પણ જાણ કરી છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે, જો સોશિયલ મીડિયા કંપની પોલીસને સહકાર નહીં આપે તો તે દેશભરમાં તેની સેવાઓ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરશે. જાહેર છે કે, કવિતા દક્ષિણ કન્નડ જિલ્લાના બિકરંકટ્ટેની રહેવાસી છે. હવે આ કેસની આગામી સુનાવણી 22 જૂને થશે.


Meta India માંથી આ મોટા અધિકારીએ આપ્યું રાજીનામું, શું છટણી બની કારણ?


ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટામાંથી વધુ એક મોટા અધિકારીએ રાજીનામું આપ્યું હતું. મેટાના ડાયરેક્ટર અને હેડ ઓફ પાર્ટનરશીપ મનીષ ચોપરાએ રાજીનામું આપ્યું છે. મનીષ છેલ્લા સાડા ચાર વર્ષથી મેટા સાથે સંકળાયેલા હતા. આ સાથે છેલ્લા એક વર્ષમાં મેટા ઈન્ડિયામાંથી આ ચોથા મોટા અધિકારીએ રાજીનામું આપ્યું છે.


એક વર્ષમાં ચાર રાજીનામા


અગાઉ મેટા ઈન્ડિયાના હેડ અજીત મોહન અને પબ્લિક પોલિસી હેડ રાજીવ અગ્રવાલે કંપની છોડી દીધી હતી. બંનેએ ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. વોટ્સએપ ઇન્ડિયાના વડા અભિજીત બોઝે પણ ગયા વર્ષે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.