FASTags Deactivated: તમે જાણો છો કે તમારે રસ્તા પર વાહન ચલાવવા માટે ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર છે. જેના માટે તમારે લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહીને ટોલ ચૂકવવો પડતો હતો. પરંતુ ટેક્નોલોજીના આ યુગમાં હવે ફાસ્ટેગની મદદથી થોડી જ મિનિટોમાં ટોલ ટેક્સ ચૂકવાઇ જાય છે. FASTags દ્વારા ટોલ વસૂલવાની વ્યવસ્થાને યોગ્ય કરવાના પ્રયાસરૂપે સરકારે આદેશ આપ્યો છે કે 31 જાન્યુઆરી, 2024 પછી બેન્કો દ્વારા અપૂર્ણ KYC સાથેના FASTagsને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. તેથી તમારે 31 જાન્યુઆરી પહેલા ફાસ્ટેગ કેવાયસી પણ કરાવી લેવું જોઈએ, નહીં તો ટોલ ટેક્સ ભરવામાં મુશ્કેલી પડશે અને મુસાફરીમાં પણ મુશ્કેલી આવી શકે છે.






નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા અપડેટમાં વન વ્હીકલ વન ફાસ્ટેગ ઝુંબેશ પર અપૂર્ણ KYC સાથેના ફાસ્ટેગને 31 જાન્યુઆરી, 2024 પછી બેન્કો દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ અસુવિધાને ટાળવા માટેતમારે ખાતરી કરવી જોઈએ કે તમે ફાસ્ટેગનું KYC પૂર્ણ કર્યું છે. સરકારના આ અભિયાનથી નેશનલ હાઈવે પર વાહન ચલાવવાનો અનુભવ વધુ સારો બનશે.


તેણે એમ પણ કહ્યું કે માત્ર લેટેસ્ટ ફાસ્ટેગ એકાઉન્ટ જ એક્ટિવ રહેશે. વધુ સહાયતા અથવા પ્રશ્નો માટે, FASTag યુઝર્સ નજીકના ટોલ પ્લાઝા અથવા તેમની સંબંધિત જાહેર કરતી બેન્કોના ટોલ-ફ્રી ગ્રાહક સેવા નંબરનો સંપર્ક કરી શકે છે.


નોંધનીય છે કે NHAIને હાલમાં જ ફરિયાદ મળી હતી કે એક જ વાહન માટે એકથી વધુ ફાસ્ટેગ જાહેર કરવામાં આવ્યા છે અને KYC પણ કરવામાં આવ્યું નથી, જેના પછી NHAIએ આ પગલું ભર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલીકવાર વાહનની વિન્ડસ્ક્રીન પર FASTags ઇરાદાપૂર્વક લગાવવામાં આવતાં નથી, જેના કારણે ટોલ પ્લાઝા પર નેશનલ હાઇવે યુઝર્સને બિનજરૂરી વિલંબ અને અસુવિધા થાય છે.


રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયનું કહેવું છે કે ફાસ્ટેગ દેશમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનમાં ક્રાંતિ લાવી છે. 98 ટકાના પેનેટ્રેશન રેટ અને 8 કરોડથી વધુ યુઝર્સ સાથે ફાસ્ટેગ ખૂબ જ ઝડપી સિસ્ટમ બની ગઈ છે. વન વ્હીકલ, વન ફાસ્ટેગ નેશનલ હાઈવે યુઝર્સને સરળતા લાવશે અને નેશનલ હાઈવે પર વધુ સારો અનુભવ પ્રદાન કરશે.