કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓની જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને અન્ય સમાન ભવિષ્ય નિધિ યોજનાઓ માટે 7.1% ના વ્યાજ દરની જાહેરાત કરી છે.


3 જુલાઈના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં નાણા મંત્રાલયે કહ્યું છે કે, "જનરલ પ્રોવિડન્ટ ફંડ અને અન્ય સમાન ફંડના ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવેલી રકમ પર 1 જુલાઈ, 2024થી 30 સપ્ટેમ્બર, 2024 સુધી 7.1%ના દરે વ્યાજ મળશે. આ દર  1 જુલાઈ, 2024 થી અમલમાં આવશે.


જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.1% ના વ્યાજ દરો મેળવનાર યોજનાઓમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ (સેન્ટ્રલ સર્વિસીસ), કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ટ ફંડ (ભારત), ઓલ ઈન્ડિયા સર્વિસીસ પ્રોવિડન્ટ ફંડ, સ્ટેટ રેલ્વે પ્રોવિડન્ટ ફંડ, જનરલ પ્રોવિડન્ટ ફંડ (ડિફેન્સ સર્વિસીસ) અને ભારતીય ઓર્ડનન્સ ડિપાર્ટમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ધરાવે છે.


કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરને યથાવત રાખ્યા છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) પર વ્યાજ દર 8.2% હતો, જ્યારે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) પર વ્યાજ દર 7.7% હતો. આ નવા નિર્ણયથી સરકારી કર્મચારીઓને તેમની બચત પર સારું વળતર મળશે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે.


નાની બચત યોજના પર વ્યાજ દર યથાવત


અગાઉ, જુલાઈ-સપ્ટેમ્બર 2024 માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર ઉપલબ્ધ વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો ન હતો. જોકે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) પર રોકાણકારોને 8.2%ના દરે વ્યાજ મળશે. આ સિવાય નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર 7.7% વ્યાજ દર અને મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમ (MIS) પર 7.4% વ્યાજ દર આપવામાં આવશે. પાંચ વર્ષના RD પર સપ્ટેમ્બર ક્વાર્ટર માટે 7.5% વ્યાજ મળશે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ માટે ઉપલબ્ધ જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને અન્ય ભવિષ્ય નિધિ યોજનાઓ પર વ્યાજ દર નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.


GPF શું છે ? 


GPF સરકારી કર્મચારીઓ માટે એક ખાસ પ્રકારની બચત યોજના છે, જેને જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) કહેવામાં આવે છે. સરકારી કર્મચારીઓ દર મહિને તેમના પગારનો એક ભાગ આ ફંડમાં જમા કરાવી શકે છે. સરકાર ત્રિમાસિક ધોરણે જમા રકમ પર વ્યાજ દર નક્કી કરે છે અને વ્યાજ પણ ખાતામાં જમા થતું રહે છે. કર્મચારીની નિવૃત્તિ સમયે, જમા થયેલી સંપૂર્ણ રકમ અને તેના પરનું વ્યાજ એકસાથે આપવામાં આવે છે.