મુંબઈઃ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા દાદા-દાદી બની ગયા છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ આજે પુત્રને જન્મ આપ્યો છે. બાળકના આગમનથી અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. હવે નાના મહેમાનની પહેલી તસવીર પણ સામે આવી છે. બાળક પોતાના દાદા મુકેશ અંબાણીના ખોળામાં છે. આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


આકાશ અને શ્લોકાએ માર્ચ 2019માં લગ્ન કર્યા હતા. પુત્ર આગમનને લઈ આકાશ-શ્લોકા અને અંબાણી પરિવારને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.



અંબાણી પરિવારના પ્રવક્તાએ તેને લઈ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે, ભગવાન કૃષ્ણના આશીર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણી એક દીકરાના માતા-પિતા બની ગયા છે. નીતા અને મુકેશ અંબાણી પ્રથમ વખત દાદા-દાદી બનવાથી ઘણા ખુશ છે.



નિવેદનમાં આગળ જણાવાયું છે કે, ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના પૌત્રનું સ્વાગત ખુશીથી કરવામાં આવ્યું છે. માતા અને પુત્રની તબિયત સારી છે. નવા સભ્યના આગમનથી મહેતા અને અંબાણી પરિવારમાં અપાર ખુશીનો માહોલ છે.

આકાશ અને શ્લોકા લગ્ન માર્ચ, 2019માં જિયો વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ સહિત નેતા, બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા. શ્લોકા મહેતા જાણીતા ડાયમંડ વેપારી રસેલ મહેતા અને મોના મહેતાની દીકરી છે.