PIB Fact Check: દેશમાં દરરોજ અલગ-અલગ પ્રકારની છેતરપિંડી થઈ રહી છે. સામાન્ય રીતે લોકોને ઝાળમા ફસાવવા માટે સરકારી સંસ્થાના નામનો ઉપયોગ કરવામાં આવે છે. નવા કૌભાંડમાં પણ એવું જ થઈ રહ્યું છે. હવે ઈન્ડિયા પોસ્ટના (Scam on India Post name) નામે છેતરપિંડી થઈ રહી છે અને ઘણા લોકો તેનો શિકાર બન્યા છે. લોકોને ઈન્ડિયા પોસ્ટના નામે એક મેસેજ મળી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાર્સલ આવ્યું છે. મેસેજ (SMS) સાથે વેબ લિંક (web link) પણ શેર કરવામાં આવી રહી છે.


શું છે ઈન્ડિયા પોસ્ટ એસએમએસ કૌભાંડ?


ઈન્ડિયા પોસ્ટના નામે લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પાર્સલ આવી ગયું છે અને ડિલિવરી માટે એડ્રેસ કન્ફર્મ કરવું જરૂરી છે. મેસેજની સાથે એક લિંક પણ મોકલવામાં આવી રહી છે. 48 કલાકની અંદર લોકો પાસેથી સરનામા અંગેની માહિતી માંગવામાં આવી રહી છે.


મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને એડ્રેસ અપડેટ કરો. આ લિંક દ્વારા લોકોના ફોનમાં માલવેર નાખવામાં આવી રહ્યું છે અને તેમની અંગત માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ડેટાના આધારે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.


PIBની ફેક્ટ ચેક ટીમે કર્યા એલર્ટ


પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમે એક્સ પર પોસ્ટ કરતી વખતે આ કૌભાંડની માહિતી આપી છે. પીઆઈબીએ કહ્યું છે કે ઈન્ડિયા પોસ્ટ આવા મેસેજ મોકલતી નથી. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો લિંક પર ક્લિક ન કરો અને મેસેજ ડિલીટ ન કરો. આ એક ફેક મેસેજ છે અને તેના દ્વારા તમને શિકાર બનાવી શકાય છે.




PIB ફેક્ટ ચેક શું છે?


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.