નવી દિલ્હીઃ ગંભીર રોકડ સંકટનો સામનો કરી રહેલ ટેલીકોમ કંપનીઓને રાહત આપવા માટે સરકાર વોયસ કોલ અને ડેટા સેવા માટે એક લઘુતમ ભાડું નક્કી કરી શકે છે. જો એવું થાય તો રિલાયન્સ જિઓની ફ્રી વોયસ કોલ સેવા ખત્મ થઈ જશે. તેની સાથે જ અન્ય ટેલીકોમ કંપનીઓને પણ વોયસ કોલ અને ડેટા સેવાનો ચાર્જ વધારવાની તક મળશે.


ટેલીકોમ ઉદ્યોગમાં રિલાયન્સ જિઓની એન્ટ્રી બાદ કંપનીઓમાં જોરદાર સ્પર્ધા ચાલુ થઈ ગઈ, જેના કારણે તમામ ટેલીકોમ કંપનીઓનું માર્જિન ઘટી ગયું. તેનાથી ઉદ્યોગ રોકડ સંકટનો સામનો કરી રહ્યો છે. તેની સાથે જૂનું દેવુ અને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉદ્યોગ પર ભારે રકમ ચૂકવાવની છે. સાથે જ આગામી વર્ષે 5જી સ્પેક્ટ્રમ હરાજી માટે પણ કંપનીઓ સામે રોકડ મેળવવાનો પડકાર ઉભો છે. ટેલીકોમ ઉદ્યોગ પર હાલમાં સાત લાખ કરોડ રૂપિયાથી વધારેનું દેવુ છે.

ટેલીકોમટોકના એક અહેવાલ અનુસાર સરકારે ટેલીકોમ ક્ષેત્રની નિયામક ટ્રાઈને લઘુતમ ભાડું નક્કી કરવા પર પોતાના સૂચનો આપવા કહ્યું છે. તેનાથી ટેલીકોમ કંપનીઓએ વોયસ અને ડેટા સેવા માટે એક લઘુતમ ભાડુ રાખવું પડશે. તેનાથી વોયસ અને ડેટા ચાર્જ એટલા ઓછા નહીં રહે જેથી કંપનીઓને બજારમાં રહેવાનું અશક્ય થઈ જાય. ગયા વર્ષે ડેટા ટેરિફના સ્પર્ધા વધવાને કારણે ટેલીકોમ ક્ષેત્રની તમામ કંપનીઓની બેલેન્સશીટ સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે.