નવી દિલ્હી: બિઝનેસ સોફ્ટવેર ફર્મ ફ્રેશવર્કસ ઇન્કએ બુધવારે અમેરિકન એક્સચેન્જ નાસ્ડેક (Nasdaq) પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ સાથે જ કંપનીએ તેના 500 કર્મચારીઓને કરોડપતિ બનાવ્યા છે. તેમાંથી 69ની ઉંમર 30 વર્ષથી પણ ઓછી છે. નાસ્ડેક પર લિસ્ટેડ થનાર ભારતની પ્રથમ સોફ્ટવેર એજ સર્વિસ (SaaS) અને યુનિકોર્ન કંપની છે. ગિરીશ મતૃભૂતમ (Girish Mathrubhootam)ની આ કંપનીના શેર્સ તેના ઇશ્યૂ ભાવથી 21 ટકા વધુ $ 36 ના ભાવે નાસ્ડેક ઇન્ડેક્સમાં ટ્રેડ થયા હતા.
આ સાથે જ કંપનીની માર્કેટ કેપ 12 અબજ ડોલરની ઉપર પહોંચી ગઈ છે. ઇટીને આપેલા એક ઇન્ટરવ્યુમાં, માતૃભૂતમે જણાવ્યું હતું કે તેમની કંપનીએ અન્ય ભારતીય સાસ સ્ટાર્ટઅપ્સને જાહેર ભરણા માટેનો માર્ગ મોકળો કર્યો છે પરંતુ શેરબજારમાં લિસ્ટિંગ સાથે તેના કર્મચારીઓ માટે પણ ઘણી કમાણી કરી છે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેણે પોતાના માટે BMW ખરીદવા માટે ફ્રેશવર્કસ શરૂ કર્યું નથી પરંતુ તે તેના તમામ કર્મચારીઓ માટે BMW લેવા માંગે છે.
500 કર્મચારીઓએ કરોડપતિ બનાવ્યા
તેમણે કહ્યું કે ફ્રેશવર્ક જાહેરમાં આવતા કંપનીના 500 કર્મચારીઓ કરોડપતિ બન્યા છે જેમાંથી 69ની ઉંમર 30 વર્ષથી ઓછી છે. ફ્રેશવર્કસના બે તૃતીયાંશ કર્મચારીઓ શેરધારકો છે. કંપનીના કો-ફાઉન્ડર અને સીઇઓ માતૃભુતમે કહ્યું કે, જેણે કંપનીને બનાવવા માટે રાત -દિવસ મહેનત કરી હતી તેને પુરસ્કાર મળવું જોઈએ. ભારતમાં અમારા 500થી વધુ કર્મચારીઓ કરોડપતિ બનશે.
કંપનીના સફળતાનો શ્રેય તેના તમામ કર્મચારીઓને આપતાં માતૃભૂતમે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં 120 અબજ ડોલરનું બજાર છે અને તેમની કંપની આ સંભાવનાને શોધવાનું શરૂ કરી રહી છે. “કર્મચારીઓના યોગદાન માટે હું તેમનો આભારી છું. હું માનું છું કે ફ્રેશવર્ક બનાવવામાં માત્ર મારી જ ભૂમિકા નથી, આપણે બધા સાથે મળીને બનાવી રહ્યા છીએ.' કંપનીને ભારતને બદલે યુ.એસ.માં લિસ્ટ કરવા અંગે તેમણે જણાવ્યું હતું કે ફ્રેશવર્કસ તેની શરૂઆતથી વૈશ્વિક કંપની છે. તેના ગ્રાહકો 120થી વધુ દેશોમાં છે અને તેની મોટાભાગની આવક અમેરિકાથી આવે છે.