GST 2.0: GST સુધારા હેઠળ ગુરુવારે GoM દ્વારા 12 ટકા અને 28 ટકા સ્લેબ નાબૂદ કરવા અને 5 ટકા અને 18 ટકા બંને સ્લેબ રાખવાના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકા કહે છે કે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ આગામી જનરેશન GST સુધારાઓને લાગુ કરવા તરફ આ પહેલું મોટું પગલું છે. હવે આ અંગે અંતિમ નિર્ણય સપ્ટેમ્બરમાં યોજાનારી બેઠકમાં GST કાઉન્સિલ લેશે.

ઘણી આવશ્યક વસ્તુઓના ભાવ ઘટશે

GoM ની મંજૂરી પછી 28 ટકા સ્લેબને 18 ટકા સ્લેબમાં અને 12 ટકા સ્લેબને 5 ટકા સ્લેબમાં સમાવવામાં આવશે. GSTમાં ઘટાડા સાથે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટશે તેમજ ઘણી બધી વસ્તુઓ પણ સસ્તી થશે. સુધારેલા GST દરો લાગુ થયા પછી જે વસ્તુઓ સસ્તી અને મોંઘી થઈ શકે છે તેની યાદી અહીં આપેલ છે.

આવશ્યક વસ્તુઓ

દવાઓથી લઈને પ્રોસેસ્ડ ફૂડ, નોન-આલ્કોહોલિક પીણાં અને કેટલીક ડેરી પ્રોડક્ટ્સ પર હાલમાં 12 ટકાના દરે GST વસૂલવામાં આવે છે. GST સુધારા સાથે આ બધી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. હોટેલ રૂમ અને કેટલીક બાંધકામ સામગ્રી પણ હાલમાં 12 ટકાના સ્લેબમાં આવે છે.

એર-કન્ડિશનર, રેફ્રિજરેટર

જો તમે નવું ફ્રિજ અથવા AC ખરીદવા માંગતા હોય તો તેમના દર પણ ઘટવા જઈ રહ્યા છે કારણ કે હાલમાં તેમના પર 28 ટકા GST વસૂલવામાં આવે છે. જ્યારે સુધારા સાથે તે 18 ટકા થઈ જશે.

4 વ્હીલર્સ

1,200 cc થી ઓછી એન્જિન ક્ષમતાવાળા ચાર વ્હીલર્સ અને 500 cc સુધીના ટુ વ્હીલર્સ પણ સસ્તા થઈ શકે છે કારણ કે હાલમાં આ બધા 28 ટકા GST સ્લેબમાં આવે છે.

નવો GST સ્લેબ

GST સુધારા હેઠળ 40 ટકાનો નવો સ્લેબ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આમાં મોંઘી કાર, દારૂ, જુગાર, સોફ્ટ ડ્રિંક્સ,  ફાસ્ટ ફૂડ, કોફી, ખાંડ અને તમાકુ જેવા સિન અને લક્ઝરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ મોંઘી થઈ શકે છે કારણ કે હાલમાં તેના પર 28 ટકા GST વસૂલવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે સિન ટેક્સ એક પ્રકારનો ખાસ કર છે, જે સરકાર એવી વસ્તુઓ પર લાદે છે જેનાથી નુકસાન થવાની શક્યતા હોય છે. કરને કારણે વસ્તુઓ મોંઘી થશે તેમની માંગ ઘટશે અને વપરાશ ઘટશે જેનાથી નુકસાન પણ ઘટશે. GoM એ આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમને GSTના દાયરાની બહાર રાખવાના કેન્દ્રના પ્રસ્તાવની પણ સમીક્ષા કરી છે.