Gautam Adani Net Worth: 8 વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિ 49 ગણી વધીને 137 બિલિયન ડોલર થઈ!

કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. અદાણી જૂથની તમામ કંપનીઓ જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે તેઓએ તેમના શેરધારકોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

Continues below advertisement

Gautam Adani Update: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વિશ્વના ટોચના 3 અમીર લોકોમાં એશિયા ખંડના પ્રથમ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. હકીકતમાં, છેલ્લા એક દાયકામાં ગૌતમ અદાણી તમામ મોટા ઉદ્યોગગૃહોને પાછળ છોડીને આગળ વધ્યા હતા. ખાસ કરીને કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. અદાણી જૂથની તમામ કંપનીઓ જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે તેઓએ તેમના શેરધારકોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં થયેલા વધારાને કારણે ગ્રુપનું માર્કેટ કેપ 20.31 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.

Continues below advertisement

1 દાયકામાં અદાણી ગ્રુપનું માર્કેટ કેપ કેવી રીતે વધ્યું

સપ્ટેમ્બર 2012માં ગૌતમ અદાણીની ત્રણ કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી. તે સમયે ગ્રૂપ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. 48,692 કરોડ હતી. 13 સપ્ટેમ્બર, 2013 ના રોજ, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ દ્વારા તેના પીએમ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે અદાણી જૂથની કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 51,573 કરોડ હતું. 2014ની લોકસભા ચૂંટણી પછી જ્યારે પરિણામો આવી રહ્યા હતા ત્યારે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 122,206 કરોડ હતું. તે સમયે અદાણી જૂથની માત્ર ત્રણ કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હતી. ડિસેમ્બર 2019માં માર્કેટ કેપ વધીને રૂ. 2 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું હતું. આ સમય દરમિયાન અદાણી ગ્રુપની 5 કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી.

કોરોના સમયગાળા દરમિયાન ગ્રુપના માર્કેટ કેપમાં અદભૂત ઉછાળો

પરંતુ કોરોના સમયગાળા દરમિયાન (કોવિડ-19 રોગચાળો) અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં જબરદસ્ત વધારો થયો હતો અને 18 જૂન 2021ના રોજ અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ રૂ. 7.89 લાખ કરોડે પહોંચ્યું હતું અને કુલ છ કંપનીઓ લિસ્ટેડ થઈ હતી અને 30 ઓગસ્ટ 2022 સુધીમાં, અદાણી જૂથની સાત કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને કુલ માર્કેટ કેપ 20.31 લાખ કરોડ રૂપિયાની નજીક છે. એટલે કે 2012 થી 2022 સુધી એટલે કે એક દાયકામાં અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 42 ગણું વધ્યું છે.

સંપત્તિમાં 49 ગણો ઉછાળો

ફોર્બ્સની યાદી અનુસાર, ગૌતમ અદાણી 2014માં $2.80 બિલિયનની નેટવર્થ સાથે 609મા ક્રમે હતા. પરંતુ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી હવે 137 બિલિયન ડોલર સાથે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. 2022માં તેમની સંપત્તિમાં $60.9 બિલિયનનો વધારો થયો છે. જે આ મિલકતમાં સૌથી મોટો વધારો છે. તો છેલ્લા 8 વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 49 ગણો વધારો થયો છે.

Continues below advertisement
Sponsored Links by Taboola