Gautam Adani Net Worth: દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં અચાનક ઉછાળો આવ્યો છે. તેઓ ફરી એકવાર વિશ્વના 20 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ થયા છે. મંગળવારે અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત વધારો નોંધાયો હતો, જેના કારણે તેમના ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં રૂ. 1 લાખ કરોડનો વધારો થયો છે. આ વધારા બાદ, ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની ટોપ-20 યાદીમાં સામેલ થઈ ગયા છે. તેમની નેટવર્થ 6.5 બિલિયન ડૉલર વધીને 66.7 બિલિયનને વટાવી ગઈ છે. અગાઉ તે આ યાદીમાં 22મા સ્થાને હતા.


મંગળવાર, 28 નવેમ્બર, 2023ના રોજ, અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. 24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયા બાદ, આ પહેલીવાર બન્યું છે કે જૂથની માર્કેટ મૂડીમાં રૂ. 1 લાખ કરોડથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.


સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપના શેરોની માર્કેટ મૂડી છેલ્લા બંધ સત્રમાં રૂ. 10.27 લાખ કરોડ હતી, જે મંગળવારે રૂ. 1.04 લાખ કરોડ વધીને રૂ. 11.31 લાખ કરોડે પહોંચી હતી. ગ્રૂપના શેરોમાં ઉછાળાના કારણો પર નજર કરીએ તો સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ કેસની સુનાવણી પૂર્ણ કર્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. સેબીએ કોર્ટને કહ્યું કે તેને તપાસ પૂર્ણ કરવા માટે વધુ સમયની જરૂર નથી. આ સમાચાર બાદ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.


સૌથી વધુ ફાયદો અદાણી ટોટલ ગેસના શેરમાં થયો હતો, જે 20 ટકાના ઉછાળા સાથે રૂ. 644 પર બંધ રહ્યો હતો. અદાણી એનર્જીમાં 18.65 ટકાનો વધારો થયો હતો અને શેર રૂ. 865 પર બંધ રહ્યો હતો. ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ 8.90 ટકાના ઉછાળા સાથે રૂ. 2423 પર બંધ થયો હતો. અદાણી ગ્રીન એનર્જી 12.25 ટકાના ઉછાળા સાથે રૂ. 1053 પર બંધ રહ્યો હતો.


અદાણી પાવર 12.23 ટકાના ઉછાળા સાથે રૂ. 446 પર બંધ રહ્યો હતો. અદાણી વિલ્મર 10 ટકાના ઉછાળા સાથે રૂ. 348.45 પર બંધ થયો હતો, અદાણી પોર્ટ્સ 5.30 ટકાના વધારા સાથે રૂ. 837.70 પર બંધ રહ્યો હતો. ACC 2.66 ટકાના વધારા સાથે, અંબુજા સિમેન્ટ 4.08 ટકાના વધારા સાથે અને NDTV 12.12 ટકાના વધારા સાથે બંધ થયા.