Gautam Adani Net Worth: બુધવારે વિશ્વના ચોથા સૌથી અમીર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ફટકો પડ્યો છે. અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ એલએલસીનો રિપોર્ટ બહાર આવ્યા બાદ ગૌતમ અદાણીની નેટવર્થમાં એક જ દિવસમાં $6.5 બિલિયન (રૂ. 54000 કરોડ)નો ઘટાડો થયો છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની વિવિધ કંપનીઓના શેરોમાં 10 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ 5.17 ટકા એટલે કે $6.5 બિલિયન ઘટીને $119.1 બિલિયન થઈ ગઈ છે. અગાઉ, હિંડનબર્ગ રિસર્ચ એલએલસીએ જણાવ્યું હતું કે તે અદાણી જૂથના શેરને વેચી રહી છે. રિસર્ચ ફર્મના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રૂપના શેરો તેમના સાચા મૂલ્યાંકનથી 85 ટકાના મોંઘા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે, આ અહેવાલને કારણે અદાણી જૂથના શેરો ઊંધા માથે પટકાયા હતા.
અદાણી ગ્રુપના શેર, અદાણી પોર્ટ્સ 6.31 ટકા, અદાણી ટ્રાન્સમિશન 8.85 ટકા, અદાણી ટોટલ ગેસ 5.95 ટકા, અદાણી પાવર 4.75 ટકા, અદાણી વિલ્મર 5 ટકા, અદાણી ગ્રીન એનર્જી 3.08 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ 1.54 ટકા ઘટીને બંધ થયા હતા. અદાણી ગ્રુપના શેરોના માર્કેટ કેપમાં આશરે રૂ. 55,000 કરોડનો ઘટાડો થયો છે. મંગળવારે અદાણી ગ્રૂપના સાત લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 17.75 લાખ કરોડ હતું, જે ઘટીને રૂ. 17.20 લાખ કરોડ થયું છે. અદાણી ગ્રૂપ દ્વારા તાજેતરમાં ખરીદાયેલી સિમેન્ટ કંપનીઓ અંબુજા સિમેન્ટના શેર 7.77 ટકા અને ACC 7.28 ટકા ઘટીને બંધ થયા હતા.
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર અદાણી ગ્રૂપના ગ્રૂપ સીએફઓ જુગશિન્દર સિંઘે તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચના પ્રકાશિત અહેવાલથી અમે આશ્ચર્યચકિત છીએ કારણ કે તેમણે અમારો સંપર્ક કર્યા વિના કે સાચા તથ્યોની ચકાસણી કર્યા વિના અહેવાલ પ્રકાશિત કર્યો છે. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે આ અહેવાલ ખોટી માહિતી, વાસી, પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોનું દૂષિત મિશ્રણ છે જેનું પરીક્ષણ અને ભારતની સર્વોચ્ચ અદાલતોએ નકારી કાઢ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે આ રિપોર્ટ અદાણી એન્ટરપ્રાઈઝના FPOને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી લાવવામાં આવ્યો છે. હિંડનબર્ગ રિસર્ચનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝની રૂ. 20000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) બે દિવસ પછી 27 જાન્યુઆરી, 2023ના રોજ ખુલવાની છે.