Adani Group Stocks: બુધવારે અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ એલએલસીએ જણાવ્યું હતું કે કંપની અદાણી ગ્રુપના શેર વેચી રહી છે. રિસર્ચ ફર્મનું કહેવું છે કે અદાણી ગ્રૂપના શેર તેમના વાજબી મૂલ્યાંકન કરતાં 85 ટકા મોંઘા છે. હિંડનબર્ગ રિસર્ચે તેના અહેવાલમાં આ જૂથ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો આરોપ પણ મૂક્યો છે.
અદાણી એન્ટરપ્રાઈઝની બે દિવસ પછી છે ફોલો-ઓન પબ્લિક ઓફર
હિંડનબર્ગ રિસર્ચનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝની રૂ. 20000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) બે દિવસ પછી 27 જાન્યુઆરી, 2023ના રોજ ખુલવાની છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સ 6.10 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5.69 ટકા, અદાણી ટોટલ ગેસ 4.72 ટકા, અદાણી પાવર 4.75 ટકા, અદાણી વિલ્મર 4.97 ટકા, અદાણી ગ્રીન એનર્જી 3.67 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ 1.57 ટકા ઘટ્યા હતા. અદાણી જૂથ-અંબુજા સિમેન્ટ દ્વારા તાજેતરમાં ખરીદવામાં આવેલી સિમેન્ટ કંપનીઓના શેર 8.14 ટકા અને ACC 7.11 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
અદાણી ગ્રુપની પ્રતિક્રિયા
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પર અદાણી ગ્રૂપના ગ્રૂપ સીએફઓ જુગશિન્દર સિંઘે તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચના પ્રકાશિત અહેવાલથી અમે આશ્ચર્યચકિત છીએ કારણ કે તેમણે અમારો સંપર્ક કર્યા વિના કે સાચા તથ્યોની ચકાસણી કર્યા વિના આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે આ અહેવાલ પસંદગીની ખોટી માહિતી પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોનું દૂષિત મિશ્રણ છે. જેનું પરીક્ષણ અને ભારતની સર્વોચ્ચ અદાલતો દ્વારા નકારી કાઢવામાં આવ્યું છે.
750થી વધુ પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યું માર્કેટ
ભારતીય શેરબજારના રોકાણકારો માટે સપ્તાહનો ત્રીજો કારોબારી દિવસ ખૂબ ખરાબ રહ્યો. ધીમી શરૂઆત સાથે જેમ દિવસ આગળ વધતો ગયો તેમ ઘટાડો વધતો ગયો. આજે તમામ સેકટર લાલ નિશાનમાં બંધ થયા. આજના કડાકા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 276.71 લાખ કરોડ થઈ ગઈ છે. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 773.69 પોઇન્ટના કડાકા સાથે 60205.06 પોઇન્ટ પર અને નિફ્ટી 206.8 પોઇન્ટના ઘટાડા સાથે 17911.60 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.