Go First Flight: ગો ફર્સ્ટ પ્લેનમાં સમસ્યા આવી છે. દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલા પ્લેનની વિન્ડશિલ્ડમાં વચ્ચેથી તિરાડ પડી ગઈ હતી. આ પછી વિમાનને જયપુર તરફ વાળવામાં આવ્યું હતું. DGCA અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગો ફર્સ્ટ ફ્લાઈટ G8-151ની વિન્ડશિલ્ડ તૂટી ગઈ છે.
ફ્લાઇટ દિલ્હીથી 12:40 વાગ્યે ઉડાન ભરી હતી, પરંતુ પાઇલટ્સને થોડી જ વારમાં ખરાબીની જાણ થઈ હતી. વિન્ડશિલ્ડમાં તિરાડ પડી જતાં ફ્લાઈટને દિલ્હી પરત લઈ જવામાં આવી હતી પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે લેન્ડ થઈ શકી નહોતી. પ્લેન બપોરે 2.55 વાગ્યે ગુવાહાટીમાં લેન્ડ થવાનું હતું. હવે જયપુર એરપોર્ટ પર સલામત રીતે ઉતરાણ કર્યું.
ગઈકાલે પણ એક સમસ્યા હતી
આ પહેલા મંગળવારના રોજ ગો ફર્સ્ટની મુંબઈ-લેહ અને શ્રીનગર-દિલ્હીની બંને ફ્લાઈટ્સનું એન્જિન ખરાબ થવાને કારણે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ડીજીસીએ બંને ઘટનાઓની તપાસ કરી રહી છે અને રેગ્યુલેટરની મંજૂરી મળ્યા બાદ જ 'પ્રેટ એન્ડ વ્હીટની એન્જિન'વાળા આ A320neo એરક્રાફ્ટ ઉડાન ભરી શકશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગો ફર્સ્ટની મુંબઈ-લેહ ફ્લાઈટના એન્જિન નંબર 2માં ખામી સર્જાયા બાદ તેને અધવચ્ચેથી દિલ્હી તરફ વાળવામાં આવી હતી. કંપનીની શ્રીનગર-દિલ્હી ફ્લાઇટના એન્જિન નંબર બેમાં પણ મિડ-એર ફોલ્ટ મળી આવ્યો હતો, ત્યારબાદ તેને શ્રીનગર પરત ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
એક મહિનામાં ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખામીના ઘણા કિસ્સા
છેલ્લા એક મહિનામાં ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખામીના ઘણા કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરક્ષિત હવાઈ મુસાફરી સુનિશ્ચિત કરવાના મુદ્દે એરલાઈન્સ, તેમના મંત્રાલયના અધિકારીઓ અને DGCA અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી છે.