Gold Price Hike: વૈશ્વિક સંકેતોને કારણે સોનાની કિંમતમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી એનસીઆરના બુલિયન માર્કેટમાં, બુધવાર, 25 સપ્ટેમ્બર, 2025ના રોજ સોનાની કિંમત 900 રૂપિયા વધીને 77,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઈ હતી. ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની નવી માંગને કારણે ચાંદી રૂ. 3,000 વધીને રૂ. 93,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. છેલ્લા સત્રમાં ચાંદી 90,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ રહી હતી.
સોનું રેકોર્ડ ઊંચાઈ પર
સોનાના ભાવમાં સતત વધારો તહેવારોની સીઝનમાં ખરીદી કરવાનું વિચારી રહેલા લોકોને આંચકો આપવાની તૈયારીમાં છે. બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 900 રૂપિયા વધીને 77,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી છે, જે મંગળવાર 24 સપ્ટેમ્બરે 76,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઇ હતી. માત્ર સોના જ નહીં ચાંદીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઔદ્યોગિક માંગમાં વધારાને કારણે ચાંદીની કિંમત 3,000 રૂપિયા વધીને 93,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જે ગયા સત્રમાં 90,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
સોનાએ તમામ એસેટ ક્લાસને પાછળ છોડી દીધા છે
IBJAના જનરલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ 3,200 ડોલર પ્રતિ ઔંસને પાર કરી શકે છે. મિલવુડ કાનેના ફાઉન્ડર અને સીઈઓ નિશ ભટ્ટે સોનાની કિંમતો વિશે જણાવ્યું હતું કે, સોનાના ભાવમાં ભારે વધારાને કારણે ભાવ નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 28 ટકા અને સ્થાનિક બજારમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે NSE નિફ્ટીમાં માત્ર 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ થયો કે 2024માં સોનાએ વળતર આપવામાં તમામ એસેટ ક્લાસને પાછળ છોડી દીધા છે.
સોનું સલામત રોકાણનો બન્યું વિકલ્પ
નિશ ભટ્ટે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2700 ડોલર પ્રતિ ઔંસની આસપાસ છે. સ્થાનિક બજારમાં તે 76000 રૂપિયાને પાર થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધુ કાપની શક્યતાને કારણે કિંમતોમાં વધારો થયો છે. વ્યાજદરમાં ઘટાડાથી યુએસ ડોલર નબળો પડ્યો છે. જ્યારે લેબનાન-ઈઝરાયલ તણાવ સહિત વિશ્વના અન્ય ક્ષેત્રોમાં તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.
Asia Power Index: ભારત બની ગઇ ત્રીજી મોટી તાકાત, એશિયા પાવર ઇન્ડેક્સમાં જાપાનને પછાડ્યું