નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થવાને કારણે બુધવારે ભારતીય બજારમાં સોનું અને ચાંદી સસ્તા થયા હતા. આજે મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમતમાં 144 રૂપિયાનો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં સોનાની કિંમતમાં લગભગ ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.


એમસીએક્સ (MCX) પર, સવારે 9.10 વાગ્યે, 10 ગ્રામ સોનાના વાયદાની કિંમત રૂ. 144 ઘટીને રૂ. 51,420 થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર ચાંદીના ભાવમાં પણ રૂ. 372નો ઘટાડો થયો હતો અને સવારે ચાંદી રૂ. 67,953 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. લગભગ એક મહિનામાં પ્રથમ વખત ચાંદીના ભાવ રૂપિયા 68 હજારની નીચે આવી ગયા છે.


વૈશ્વિક બજારમાં પણ ઘટાડો નોંધાયો હતો


બુધવારે સવારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના (Gold and Silver price) હાજર ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનું ઔંસ દીઠ 1,923.60 ડોલર જ્યારે ચાંદી 25.11 ડોલર પ્રતિ ઔંસના ભાવે વેચાઈ રહી હતી. જાણકારોનું કહેવું છે કે ક્રૂડના ભાવમાં ઘટાડાને કારણે હવે રોકાણકારોનો ઉત્સાહ ફરીથી બજારમાં ફરી રહ્યો છે.


આ કારણે સોનું થઈ રહ્યું છે સસ્તું


રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine War) સમાપ્ત થવાની આશા વધવાને કારણે વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીમાં નબળાઈ જોવા મળી રહી છે. ક્રૂડના ભાવ પણ પ્રતિ બેરલ 100 ડોલરની આસપાસ આવી ગયા છે, જેના કારણે વિશ્વભરના શેરબજારો ઝડપથી પરત ફરી રહ્યા છે અને રોકાણકારો સોનાને બદલે બજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. બીજી તરફ યુએસ ફેડ રિઝર્વ આજથી શરૂ થનારી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે. આ કારણોસર સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.