Gold Silver Price Today: વૈશ્વિક બજારમાં નરમાઈના કારણે બુધવારે સવારે સતત ચોથા સત્રમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે સવારે ભારતીય બજારમાં સોનાના વાયદાના ભાવમાં લગભગ 0.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ચાર દિવસમાં સોનાની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, આજે સવારે 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ ઘટીને રૂ. 50,610 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેમાં આજે 0.3 ટકાની નરમાઈ જોવા મળી હતી. સોનાના ભાવમાં ઘટાડાનું આ સતત ચોથું સત્ર છે અને આ સમયગાળા દરમિયાન પીળી ધાતુમાં લગભગ રૂ. 500નો ઘટાડો થયો છે.
ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો
સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને આજે સવારે એમસીએક્સ પર ચાંદીની વાયદાની કિંમત 1.3 ટકા ઘટીને રૂ. 60,494 પ્રતિ કિલો થઈ ગઈ છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો અને આજે સવારે યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 0.3 ટકા ઘટીને 1,827.03 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. સોનાની કિંમતમાં આ ઘટાડો ડોલરની મજબૂતાઈને કારણે આવ્યો છે, જે હાલમાં 20 વર્ષની ટોચે છે. જો આગામી સમયમાં ડોલરના ભાવમાં નરમાઈ આવશે તો સોનું ફરી મોંઘુ થશે.
વૈશ્વિક બજારમાં ચાંદીના હાજર ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી અને આજે સવારે તે 1 ટકા ઘટીને 21.45 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. સોના-ચાંદી ઉપરાંત અન્ય કિંમતી ધાતુઓમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પ્લેટિનમની હાજર કિંમત 0.7 ટકા ઘટીને 930.91 ડોલર અને પેલેડિયમની કિંમત 0.8 ટકા ઘટીને 1,862.40 ડોલર થઈ હતી.
સોનામાં હવે નરમાઈ જોવા મળશે
નિષ્ણાતો માને છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં અસામાન્ય વધઘટ જોવા મળી રહી છે, જે હજુ થોડો સમય ચાલુ રહેવાની ધારણા છે. વૈશ્વિક માર્કેટમાં મંદી અને ફુગાવાના દબાણને કારણે સોનાના ભાવમાં વધુ ઘટાડો થશે નહીં, પરંતુ જો ફેડ રિઝર્વ વ્યાજદરમાં હજુ વધુ વધારો કરશે તો ડોલરને ટેકો મળશે અને સોનાના ભાવ ફરી એકવાર નીચે જઈ શકે છે.