Gold Silver Price Today: ડૉલર ઇન્ડેક્સમાં વધારો અને યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષના કડક નિવેદનોને કારણે ભારતમાં આજે એટલે કે સોમવાર, 29 ઓગસ્ટના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ બંને કીમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની કિંમત (Gold Rate Today) 314 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી છે. એ જ રીતે ચાંદીમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂ. 764 નરમ પડી છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો સ્પોટ રેટ 0.3 ટકા ઘટીને 1732.17 ડોલર પ્રતિ ઔંસ થયો છે. એ જ રીતે ચાંદીનો ભાવ 1 ટકા ઘટીને 18.69 ડોલર પ્રતિ ઔંસ થયો છે. નોંધનીય છે કે સોના અને ચાંદીની કિંમતો છેલ્લા કેટલાક સમયથી દબાણ હેઠળ ચાલી રહી છે.


સોનામાં મોટો ઘટાડો


મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્તાહના પહેલા દિવસે સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 9:50 વાગ્યે MCX પર સોનું 0.61 ટકા ઘટીને 50,924 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. આજે સોનામાં 51,000 રૂપિયાથી કારોબાર શરૂ થયો હતો, પરંતુ થોડા સમય બાદ તેમાં ઘટાડો થવા લાગ્યો હતો. એકવાર સોનું ઘટીને 50,867 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું.


ચાંદીની ચમક પણ ફિક્કી પડી


સોનાની જેમ આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર ચાંદી 1.39 ટકાના ઘટાડા સાથે રૂ. 54,016 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે. ચાંદીમાં આજે કારોબાર રૂ. 54,230 થી શરૂ થયો હતો પરંતુ નબળી માંગને કારણે તેના ભાવમાં ઘટાડો થયો હતો. ટ્રેડિંગની શરૂઆતમાં, એકવાર તે ઘટીને રૂ. 53,950 પર પહોંચી ગયો હતો.


શા માટે આટલો મોટો કડાકો આવ્યો


નિષ્ણાંતોના મતે યુએસ ફેડ રિઝર્વના ચેરમેને યુએસ ફેડની આગળ કડક નાણાકીય નીતિનો સંકેત આપ્યો છે. જેના પગલે અમિરાકના શેર બજારમાં શુક્રવારે મોટો કડાકો બોલી ગયો હતો. ડૉલર ઇન્ડેક્સ અને 10-વર્ષના બોન્ડ યીલ્ડ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.