અમદાવાદ બજારમાં ચાંદીના એક કિલોમાં 1500 રૂપિયાના વધારા સાથે 68 હજાર 500 પર પહોંચ્યો છે તો સોનામાં પણ 800 રૂપિયાના વધારા સાથે 99.50ના દસ ગ્રામના 52 હજાર 600 અને 99.90ના 52 હજાર 800 રૂપિયા પર પહોંચ્યો છે. આ સાથે નવા કેલેન્ડર 2021માં અત્યાર સુધીના ભાવમાં 1000ની તેજી આવી ચૂકી છે. તો પ્લેટીનમ અને પેલેડીયમના ભાવમાં પણ અસાધારણ વધારો જોવા મળ્યો છે.
કોરોના વાયરસનો નવો સ્વરૂપ સ્ટ્રેન હાલ સમગ્ર દુનિયાને ડરાવી રહ્યો છે અને બ્રિટનમાં તેનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. તેને જોતા બ્રિટનમાં વધુ લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. બ્રિટનની જેમ જાપાનમાં પણ ફરી લોકડાઉનની સ્થિતિ સર્જાઇ છે.
આમ ફરી લોકડાઉનની દહેશતે પગલે કિંમતી ધાતુ સોના-ચાંદીની તેજીને ઇંધણ પૂરું પાડ્યુ છે. લોકડાઉનની આશંકાથી રોકાણકારો ફરી સેફ-હેવન મનાતા સોના-ચાંદી તરફ આકર્ષાયા છે. આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 0.8 ટકા વધીને 1912.71 ડોલર પ્રતિ ટ્રોસને સ્પર્શી ગયો હતો જે 9 નવેમ્બર પછીનો સૌથી ઉંચો ભાવ છે. તો યુએસ ગોલ્ડ ફ્યુચર 1.1 ટકા વધીને 1916.40 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો ચાંદી અઢી ટકા જેટલી વધીને 26.98 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. પ્લેટિનમ અને પેલેડિયમ જેવી કિંમતી ધાતુઓ પણ અડધા ટકાની મજબૂતીમાં અનુક્રમે 1075.15 ડોલર અને 2461.95 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.