GST rate reduction news: મોંઘવારીથી પીડિત સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જાહેરાત કરી હતી કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના દરોમાં ટૂંક સમયમાં ઘટાડો કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ટેક્સના દરો અને સ્લેબને તર્કસંગત બનાવવાનું કાર્ય લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, અને આગામી જીએસટી કાઉન્સિલ મીટિંગમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
'ધ ઈકોનોમિક ટાઈમ્સ એવોર્ડ્સ' કાર્યક્રમમાં બોલતા નાણામંત્રી સીતારમણે જણાવ્યું હતું કે, "જીએસટી દર અને સ્લેબને તર્કસંગત બનાવવાનું કામ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. અમે તેને આગામી કાઉન્સિલ મીટિંગમાં લઈ જઈશું અને વિચારણા કરીશું કે શું અમે આ સંબંધમાં કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ કે નહીં."
તેમણે માહિતી આપતા જણાવ્યું કે, 1 જુલાઈ, 2017ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે રેવેન્યુ ન્યુટ્રલ રેટ (RNR) 15.8 ટકા હતો, જે 2023માં ઘટીને 11.4 ટકા થયો છે અને ભવિષ્યમાં તે વધુ નીચો જશે. મંત્રી જૂથ (GoM) ની રચના સપ્ટેમ્બર 2021 માં જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી, જે દરોને તર્કસંગત બનાવવા અને સ્લેબમાં ફેરફારો સૂચવવા માટે કામ કરી રહી છે.
શેરબજારની અસ્થિરતા અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ વૈશ્વિક પરિબળોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિશ્વ શાંતિ, યુદ્ધો, લાલ સમુદ્રની સુરક્ષા અને ચાંચિયાગીરી જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ઘટનાઓ શેરબજારને અસર કરે છે.
એક અન્ય મહત્વપૂર્ણ મુદ્દા પર બોલતા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં છૂટક રોકાણકારોની ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છે.
જીએસટી દરોમાં ઘટાડાની જાહેરાતથી સામાન્ય માણસને મોંઘવારીથી રાહત મળવાની આશા છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ સરકારના આ પગલાનું સ્વાગત કરી રહ્યા છે, કારણ કે તેનાથી વેપાર અને વાણિજ્યને વેગ મળશે તેવી અપેક્ષા છે. હવે સૌની નજર આગામી જીએસટી કાઉન્સિલની બેઠક પર રહેશે, જેમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો...
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર