નવી દિલ્હી: ગૂગલ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં 4.5 બિલિયન ડોલર એટલે કે 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ આ રોકાણની જાણકારી કંપનીની વાર્ષિક બેઠકમાં આપી હતી. કોરોનાકાળને જોતા 43મીં રિલાયન્સ એન્યૂઅલ જનરલ મીટિંગ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવી હતી.


જિયો સાથેના કરારને લઈ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, રિલાયન્સ જિયો સાથે પાર્ટનરશિપ કરીને ખૂબજ ગર્વ અનુભવી રહ્યો છું. પિચાઈએ કહ્યું કે, “તમામની પાસે ઈન્ટરનેટની પહોંચ હોવી જોઈએ. ગૂગલે ઈન્ડિયા ડિજિટાઈજેશન ફંડથી 4.5 બિલિયન ડૉલર પોતાના પ્રથમ રોકાણ દ્વારા ભારતમાં સેંકડો કરોડો લોકો જેમની પાસે સ્માર્ટફોન પણ નથી તેમના સુધી પહોંચવા માટે રિલાયન્સ જિયો સાથે પાર્ટનરશિપ પર ગર્વ છે.”



રિલાયન્સ જિયોની વાર્ષિક બેઠકમાં પિચાઈએ એક વીડિયો સંદેશ આપ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે, “ભારતમાં હવે લોકોને ટેકનોલોજી પહોંચવા માટે રાહ નહીં જોવી પડે. સસ્તા સ્માર્ટફોન અને ડેટાએ તે કરોડો ભારતીય માટે શક્ય બનાવી દીધું છે. ”
ગૂગલ સાથેના કરાર પર મુકેશ અંબાણીએ શું કહ્યું ?

મુકેશ અંબાણીએ કહ્યું, જિયો ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી રહી છે. આ પાર્ટનરશિપ અંતર્ગત એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. જે એન્ટ્રી લેવલ 4G અને 5G સ્માર્ટફોન માટે હશે. આ પાર્ટનરશિપ ભારતને 2G મુક્ત બનાવવા માટે છે.

જિયો અને ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવનારી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ આધારિત હશે. જેને ગૂગલ પ્લે સ્ટોરનો પણ સપોર્ટ આપવામાં આવશે. એટલે કે પ્લે સ્ટોરની એપ્સ ડાઉનલોડ કરી શકાશે.