નવી દિલ્હીઃ નાણાકીય સંકટથી પસાર થઇ રહેલી એર ઇન્ડિયાને સરકારે વેચવાની તૈયારી કરી લીધી છે. આ મામલામાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સરકાર એર ઇન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચશે. કેન્દ્રીય મંત્રી પુરીએ લોકસભામાં આ વાત કહી.


હરદીપ પુરીએ આ પહેલા રાજ્યસભામાં કહી ચૂક્યા છે કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ ન થવાની સ્થિતિમાં તેને બંધ કરવી પડશે. જોકે, તેઓએ કહ્યું કે, તમામ કર્મચારીઓ માટે એક યોગ્ય ડીલ નક્કી કરાશે. પુરીએ કહ્યું, હું એ હદે જઇશ અને આ કહીશ. ત્યારબાદ પુરીએ કહ્યું કે ખાનગીકરણ ન થવાની સ્થિતિમાં એર લાઇનને બંધ કરી દેવામાં આવશે.



પુરીએ જણાવ્યુ હતુ કે સરકાર હાલ એર ઈન્ડિયાને વેચી નાખવા માટેનો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. માર્ચ 2020 સુધીમાં પ્રસ્તાવ તૈયાર થઈ જશે. આ પહેલા મે 2018માં પણ એર ઈન્ડિયાનો 76 ટકા હિસ્સો વેચવાની સરકારે તૈયારી કરી હતી.એ વખતે સરકારે કંપનીઓને ખરીદવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. પરંતુ કોઈએ ખરીદીમાં રસ દર્શાવ્યો ન હતો. માટે ત્યારે પ્રોજેક્ટ પડતો મુકાયો હતો. છેલ્લા નાણાકિય વર્ષ 2018-19માં જ કંપનીએ 8556 કરોડની તોતીંગ ખોટ નોંધાવી છે. એર ઇન્ડિયા પર હાલ લગભગ 60,000 કરોડ રૂપિયાનું દેવું છે.

એર ઈન્ડિયાની ખોટનું એક કારણ તેના રૂટ પણ છે. એવા ઘણા રૂટ છે, જ્યાં બીજી કોઈ એરલાઈન્સ નથી જતી, એર ઈન્ડિયા જાય છે. અત્યારે ભારત બહાર 31 દેશોના 43 શહેરોમાં એર ઈન્ડિયાની કનેક્ટિવિટી છે. ભારતમાં એ 55 શહેરો વચ્ચે ઉડે છે.