Budget 2023-24: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ મોદી સરકાર તેના બીજા કાર્યકાળનું અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે તે પહેલા સરકારે તેની બજેટ મેકિંગ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે સંજય મલ્હોત્રાને મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં સંજય મલ્હોત્રા નાણાં મંત્રાલયમાં ફાઇનાન્સિયલ સચિવના પદ પર તૈનાત છે.






સંજય મલ્હોત્રાને નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે તૈનાત કરવામાં આવશે. વર્તમાન મહેસૂલ સચિવ તરુણ બજાજ 30 નવેમ્બર, 2022ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. હાલમા વિવેક જોશી સંજય મલ્હોત્રાના સ્થાને નાણાકીય સેવાઓના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે. વિવેક જોશી હાલમાં ભારતના રજિસ્ટ્રાર જનરલ અને ગૃહ મંત્રાલયમાં સેન્સસ કમિશનર તરીકે નિયુક્ત છે. મહેસૂલ વિભાગમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે તેમની પોસ્ટિંગ પછી સંજય મલ્હોત્રાનું સ્થાન લેશે. સરકારે મનોજ ગોવિલને કંપની બાબતોના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે.


સંજય મલ્હોત્રા અને વિવેક જોશી પાસે હવે 2023-24નું બજેટ તૈયાર કરવાની જવાબદારી હશે. આ તમામ નાણાં મંત્રી નિર્મલા સીતારમણની બજેટ ટીમનો ભાગ હશે. મહેસૂલ સચિવના પદ પર નિમણૂક થયા પછી સંજય મલ્હોત્રા પ્રત્યક્ષ અને પરોક્ષ કરની વસૂલાત વધારવાની સાથે ટેક્સ કાયદાના સરણીકરણ માટે જવાબદાર રહેશે.


આ સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ષ 2023માં રજુ થનાર સામાન્ય બજેટને એવી રીતે તૈયાર કરવું પડશે કે જેથી દેશના આર્થિક વિકાસની ગતિ જળવાઈ રહે. આ સાથે નાણામંત્રીએ કહ્યું કે બજેટ દ્વારા મોંઘવારી પર અંકુશ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે.


આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આવતા વર્ષે રજૂ થનારા બજેટમાં આર્થિક વિકાસને લગતી પ્રાથમિકતાઓ સૌથી ઉપર હશે. મોંઘવારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ઉર્જા, ખાતર અને ખાદ્યપદાર્થો અંગે જે વૈશ્વિક કટોકટી ઊભી થઈ છે તેની ભારતના લોકોને અસર ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ નિર્મલા સીતારમણ સતત પાંચમી વખત મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. વિવિધ મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નાણાં મંત્રાલયની પ્રી-બજેટ બેઠકોની શ્રેણી 10 ઓક્ટોબર, 2022 થી શરૂ થઈ છે, જે 10 નવેમ્બર સુધી ચાલુ રહેશે.