GST Collection in April: દેશમાં GST કાયદો લાગુ થયા પછી એપ્રિલ 2022 માં સરકાર દ્વારા દેશમાં સૌથી વધુ કર વસૂલાત કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2022-2023ની શરૂઆતથી GST કલેક્શનમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. આ મહિને સરકારની તિજોરીમાં કુલ 1,67,540 કરોડ રૂપિયા આવ્યા છે. જે GST લાગુ થયા પછી એક મહિનામાં સૌથી વધુ કર વસૂલાત છે. અગાઉ માર્ચ 2022માં પણ રેકોર્ડ GST કલેક્શન જોવા મળ્યું હતું. માર્ચ મહિનામાં GSTના રૂપમાં સરકારની કુલ આવક 1,42,095 કરોડ રૂપિયા હતી.


નાણાં મંત્રાલયે થોડા સમય પહેલા પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ટ્વિટમાં મંત્રાલયે કહ્યું છે કે GST કલેક્શન રેકોર્ડ સ્તરે આવી ગયું છે અને માર્ચ 2022 સુધીમાં તેનો 1,42,095 કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડ્યો છે.






સંપૂર્ણ ટેક્સ કલેક્શનનું ગણિત સમજો


એપ્રિલ 2022માં, સરકારને GSTના રૂપમાં કુલ રૂ. 1,67,540 કરોડની આવક મળી છે, જેમાં CGST રૂ. 33,159 કરોડ અને SGSTનો હિસ્સો રૂ. 41,793 કરોડ છે. આ સાથે IGSTનો હિસ્સો 81,939 કરોડ રૂપિયા છે. તેની સાથે આમાં સેસનું યોગદાન 10,649 કરોડ રૂપિયા છે. માલની આયાત પર રૂ. 857 કરોડનું કલેક્શન હાંસલ કર્યું છે. એપ્રિલના નવા કલેક્શન સાથે માર્ચના ઓલ-ટાઇમ હાઇ કલેક્શન રૂ. 1,42,095 કરોડના આંકડાને વટાવી ગયું છે.


ગયા વર્ષની સરખામણીમાં GSTમાં નોંધપાત્ર વધારો


ગયા વર્ષ એટલે કે એપ્રિલ 2021ની સરખામણીમાં આ વર્ષે 20 ટકા વધુ GST કલેક્શન જોવા મળ્યું છે. આ સાથે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આયાત પરના ટેક્સમાં 30 ટકાનો વધારો નોંધાયો છે.