GST Collection in April: લોકસભા ચૂંટણી વચ્ચે ભારત માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સરકારે એપ્રિલ 2024 માટે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે અને તે રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. નવા નાણાકીય વર્ષમાં GST કલેક્શનના સંદર્ભમાં દેશે ઈતિહાસ રચ્યો છે. GST લાગુ થયા બાદ પ્રથમ વખત કલેક્શન 2 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. સરકારી ડેટા અનુસાર એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ 2.10 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.






GST કલેક્શન પ્રથમ વખત 2 લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું હતું, તેણે એપ્રિલ મહિનામાં વાર્ષિક ધોરણે કુલ આવકમાં પણ પ્રભાવશાળી 12.4 ટકાનો વધારો નોંધાવ્યો હતો. આ સિવાય ચોખ્ખી આવક (રિફંડ પછી) 1.92 લાખ કરોડ રૂપિયા રહી છે અને તે વાર્ષિક ધોરણે 17.1 ટકા વધી છે. એપ્રિલ 2024 માટે કુલ GST કલેક્શનમાં સેન્ટ્રલ GST (CGST) રૂપિયા 43,846 કરોડ, સ્ટેટ GST (SGST) રૂપિયા 53,538 કરોડ, IGST રૂપિયા 99,623 કરોડ અને સેસ રૂપિયા 13,260 કરોડનો સમાવેશ થાય છે.               


નોંધનીય છે કે GST 01 જુલાઈ 2017ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. તેણે પરોક્ષ કરની ઘણી જટિલતાઓને દૂર કરી આ નવી સિસ્ટમ સાથે વેટ, એક્સાઇઝ ડ્યુટી (ઘણી વસ્તુઓ પર) અને સર્વિસ ટેક્સ જેવા 17 ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા હતા. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારે 40 લાખ રૂપિયાના વાર્ષિક ટર્નઓવરવાળા વ્યવસાયોને GSTના દાયરામાંથી મુક્તિ આપી હતી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે તેનાથી માત્ર કેન્દ્ર સરકારને જ નહીં પરંતુ રાજ્ય સરકારોને પણ રેવન્યુ મોરચે ફાયદો થશે.