નવી દિલ્હીઃ ઓક્ટોબર 2019માં જીએસટી કલેક્શન વાર્ષિક આધાર પર ઘટીને 95,380 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આંકડો 1,00,710 કરોડ રૂપિયા હતો. આ અગાઉ સપ્ટેમ્બર 2019માં જીએસટી સંગ્રહ 91,916 કરોડ રૂપિયા હતો. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓ અનુસાર, આ અગાઉના મહિનામાં એટલે કે ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 98,202 કરોડ રૂપિયા હતો. એક વર્ષ અગાઉ ઓગસ્ટમાં જીએસટી કલેક્શનનો આ આંકડો 94,442 કરોડ રૂપિયા હતો.
ઓક્ટોબર 2018ની સરખામણીએ ઓક્ટોબર 2019માં જીએસટી કલેક્શનમાં 5.29 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એપ્રિલ-ઓક્ટોબર 2019માં જીએસટી કલેક્શન એપ્રિલ-ઓક્ટોબર 2018ની તુલનામાં 6.74 ટકા ઓછું હતું.
નાણા મંત્રાલયે કહ્યુ કે ઓક્ટોબર મહિનાનામાં કુલ સંગ્રહિત જીએસટી આવકમાં સીજીએસટી 17,582 કરોડ રૂપિયા, એસજીએસટી 23,674 કરોડ રૂપિયા, આઇજીએસટી 46517 કરોડ રૂપિયા અને ઉપકર 7607 કરોડ રૂપિયા સામેલ છે.