GST Hikes: સરકારે સ્પષ્ટ કર્યું છે કે કઠોળ, ઘઉં અને લોટના લૂઝ વેચાણ પર જીએસટી લાગશે નહીં. હાલમાં જ પ્રીપેકેજ્ડ અનાજ, કઠોળ, લોટ, છાશ અને દહીં પનીર પર 5 ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા આ વસ્તુઓ જીએસટીના દાયરાની બહાર હતી. તાજેતરમાં ચંદીગઢમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણી બાબતો પર જીએસટી લાદવાનો નિર્ણય લેવાયો હતો. આ દરો 18 જુલાઈ એટલે કે આજથી લાગુ થઈ ગયા છે. જેના કારણે તેમના લૂઝ વેચાણ પર પણ જીએસટી લાગશે કે કેમ તે અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.


સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેમના લૂઝ વેચાણ પર કોઈ જીએસટી નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને કહ્યું કે જીએસટી કાઉન્સિલે ઘઉં, લોટ, ચોખા સહિત ઘણી વસ્તુઓના લૂઝ વેચાણને જીએસટીમાંથી છૂટ આપી છે. જેમાં દાળ, ઘઉં, રાઈ, જવ, મકાઈ, ચોખા, લોટ, સોજી, બેસન,  દહીં અને લસ્સીનો સમાવેશ થાય છે. જોકે તેને પ્રિપેક્ડ કે લેબલેડ તરીકે વેચવામાં આવે તો પાંચ ટકા જીએસટી લાગશે.


સીતારમણે કહ્યું કે, દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલીવાર ખાવાની વસ્તુઓ પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ તેમાં કોઈ સચ્ચાઈ નથી. જીએસટી લાગુ થયો ત્યારે બ્રાન્ડેડ અનાજ, કઠોળ અને લોટ પર પાંચ ટકા જીએસટી લાદવામાં આવ્યો હતો. બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને માત્ર રજિસ્ટર્ડ બ્રાન્ડ પર જ જીએસટી લાદવામાં આવ્યો હતો. પરંતુ ઘણી બ્રાન્ડ્સે તેનો દુરૂપયોગ કર્યો હતો અને આ બાબતો પર જીએસટીની આવકમાં તીવ્ર ઘટાડો થયો હતો. એટલે જ જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં આ વસ્તુઓના પ્રીપેકેજ્ડ અને લેબલવાળા વેચાણ પર જીએસટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.