Rupee vs Dollar: મંગળવારના રોજ શરૂઆતના વેપારમાં ડૉલર સામે રૂપિયો 80.05 રૂપિયા પ્રતિ ડૉલર (Dollar) ના તેના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. આ માહિતી સામે આવ્યા બાદ વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર આક્રમક બની છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો અને પૂછ્યું, 'તમારું આગામી લક્ષ્ય શું છે? એક સેન્ચુરી'
TMCએ ટ્વીટ કર્યું, “રૂપિયો પ્રથમ વખત યુએસ ડોલર દીઠ 80 પર પહોંચ્યો! 'તમારું આગળનું લક્ષ્ય શું છે? એક સેન્ચુરી'. TMCએ કહ્યું, “ભાજપના અમૃત કાળમાં દેશને દરરોજ ઘણું નુકસાન થઈ રહ્યું છે. રૂપિયા અને મોદી વચ્ચે સ્પર્ધા છે કે કોણ વધુ ઘટશે!”
ઇન્ટર-બેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 80 પર ખૂલ્યો હતો પરંતુ થોડા જ સમયમાં 80.05ના સ્તરે આવી ગયો હતો. આ અગાઉના બંધ ભાવની સરખામણીમાં સાત પૈસાની નબળાઈ દર્શાવે છે. સોમવારે રૂપિયો પહેલીવાર 80ના સ્તરને સ્પર્શ્યા બાદ 79.98 પર બંધ થયો હતો.
નાણામંત્રીએ રૂપિયામાં ઘટાડાની વાત સ્વીકારી
તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સ્વીકાર્યું હતું કે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે. તેમણે આ ઘટાડાનું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ભારતીય સ્ટોક એક્સચેન્જોમાંથી મૂડીનો પ્રવાહ જેવા વૈશ્વિક પરિબળોને આભારી છે.
રૂપિયામાં કેમ થઈ રહ્યું છે ધોવાણ
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાતાં તથા ઘરઆંગણે વિદેશી ફંડોનો આઉટફલો વધતાં રૂપિયા પર દબાણ વધ્યું હતું. વિદેશી ફંડમાં વેચવાલી નીકળી હોવાથી રૂપિયો ઐતિહાસિક સપાટીએ ગગડયો હતો. ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજો મોંઘી બનશે અને ફુગાવો તથા મોંઘવારી વધુ વેગ પકડશે એવી ભીતિ નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી.
લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં નાણામંત્રી સીતારમણે રૂપિયો ગગડયો તેના બચાવમાં જણાવ્યું કે ડોલરની સામે રૂપિયાની તુલનાએ બ્રિટિશ પાઉન્ડ, જાપાની યેન અને યૂરો વધુ ગગડયા છે. તેમણે તો એવો ય દાવો કર્યો હતો કે આ વિદેશી કરન્સીની સરખામણીએ 2022માં રૂપિયો વધારે મજબૂત બન્યો છે.
આ વર્ષે ડોલર સામે રૂપિયો કેટલો ગગડ્યો
નાણામંત્રીએ એક્સપોર્ટ માર્કેટ માટે આ સ્થિતિને લાભકારી ગણાવીને કહ્યું હતું કે રૂપિયો ડોલર સામે નબળો પડયો છે તેનાથી નિકાસ બજારમાં ભારતની પ્રતિસ્પર્ધા ક્ષમતા વધશે. આરબીઆઈ સતત ફોરેન એક્સચેન્જ પર નજર રાખે છે. વધારે ચડાવ-ઉતાર થાય તો હસ્તક્ષેપ પણ કરે છે. ભારતે થોડા સમય પહેલાં જ ઈન્ટરેસ્ટ રેટ વધાર્યો હોવાથી રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ માટે રૂપિયો રાખવો વધારે આકર્ષક બન્યું છે. નિષ્ણાતોના મતે ડોલર સામે રૂપિયો વધારે નબળો પડી શકે છે. આ વર્ષે ડોલર સામે રૂપિયો છ ટકાથી વધુ ગગડી ચૂક્યો છે.