નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 36મી બેઠક 25 જુલાઈએ થશે. આ બેઠકને નાણામંત્રી નિર્મલા સિતારમન વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. આ બેઠકમાં બેટરીથી ચાલતી કાર અને સ્કૂટરમાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી આ બધી વસ્તુ સસ્તી થઈ શકે છે.




આ પ્રસ્તાવ ગત જીએસટી બેઠકમાં પણ આવ્યો હતો. પરંતુ, તે સમયે કેટલાક સભ્યોએ કહ્યું કે, જે ઈલેક્ટ્રીક વ્હીકલ છે અને જે ચાર્જર છે, તેની કિંમતમાં અંતર છે. તેથી આ પૂરા પ્રસ્તાવને એકવાર ફરી ફિટમેન્ટ કમિટીમાં મોકલવો જોઈએ. ઈ-વાહનોના ઘરેલુ સ્તર પર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ જીએસટી દરને 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની ભલામણ કરી છે. જો આવુ થશે તો, દેશમાં ઈલેક્ટ્રીક વાહનોના ભાવમાં ઘટાડો આવશે.



બેઠકમાં સોલર પાવર જનરેશન સિસ્ટમ અને વિંડ ટર્બાઈન પ્રોજેક્ટ પર જીએસટી દર ઓછા કરવામાં આવી શકે છે. ગત મહિને રાજ્યોના નાણામંત્રી સાથે જીએસટી કાઉન્સિલની બેઠક થઈ હતી, જેમાં ઈલેક્ટ્રીક વ્હીકલ, ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન અને ભાડા પર ઈલેક્ટ્રીક વ્હીકલમાં જીએસટીમાં છૂટ આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. મોલ, શોપિંગ સેન્ટર, ઓફિસ, રહેણાંક વિસતારોમાં ઈ-વાહનો માટે 10 ટકા પાર્કિંગ રિઝર્વ રાખવામાં આવી શકે છે. દેશભરમાં ઈ-વાહનોને ટોલ ટેક્સમાંથી પૂરી રીતે મુક્તી આપવામાં આવે તેવી શક્યતા છે.



મોદી સરકાર ઈ-વાહનોના ઘરેલુ નિર્માણને પ્રોત્સાહન આપવા માંગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ ભાષણમાં કહ્યું હતું કે, જે રીતે ડેટ્રાયટ પારંપરિક વાહનોનું હબ છે, સરકાર તેવી રીતે ભારતમાં ઈલેકટ્રિક વાહનોનું હબ બનાવવા માંગે છે.